ધો.12ની કેન્સલ ફેરપરીક્ષાની કેન્સલ કરેલી માર્કશીટ આપવા બોર્ડને આદેશ
- મેડિકલના વિદ્યાર્થીને હાઈકોર્ટે રાહત આપી
- છ મહિનામાં માર્કશીટ લેવાનો નિયમ ચૂકી ગયેલાં વિદ્યાર્થીને બોર્ડે રીઝલ્ટ આપવાનો ઈન્કાર કર્યો, પરંતુ વાજબી કારણ જણાતાં કોર્ટની રાહત
મુંબઈ : ધો.૧૨ની ફેરપરીક્ષા આપ્યા બાદ તેની માર્કશીટ સમયસર ન લેતાં સ્ટેટ બોર્ડે માર્કશીટ કેન્સલ કરી નાંખી હતી. જોકે ગોરેગાંવ સ્થિત વિદ્યાર્થીએ હવે માર્કશીટ માગતાં બોર્ડે આપવાની ના પાડી હોવાથી તેણે કોર્ટના દરવાજા ખખડાવ્યાં બાદ કોર્ટે મેડિકલના આ વિદ્યાર્થીને નવી માર્કશીટ આપવા બોર્ડને આદેશ કર્યો છે. કોર્ટના આદેશથી વિદ્યાર્થી માટે ભાવિ અભ્યાસનો માર્ગ મોકળો યો છે.
ઉચ્ચ શિક્ષણની તક મેળવવા માટે ઘણાં વિદ્યાર્થીઓ જો ઓછાં માર્ક આવ્યાં હોય તો ફેરપરીક્ષા આપી વધુ માર્ક મેળવી ઉચ્ચાભ્યાસ કરતાં હોય છે.આથી કોઈપણ જોગવાઈ વિના માર્કશીટ કેન્સલ કરવાનો નિર્ણય એ અતાર્કિક હોવાનું ન્યા.ચાંદૂરકર અને ન્યા.જિતેન્દ્ર જૈનની ખંડપીઠે જણાવ્યું હતું.
ધો.૧૨ના એક વિદ્યાર્થીએે ૨૦૧૮માં પોતાના માર્ક સુધારવા બોર્ડની ફેરપરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ છ મહિનામાં માર્કશીટ લેવી અનિવાર્ય છે. પરંતુ તેણે તે લીધી નહોતી. પરિણામે બોર્ડે તેની માર્કશીટ રદ્દ કરી હતી. ખંડપીઠે યાચિકાકર્તાની નવા માર્કનો સમાવેશ કરાયેલી માર્કશીટ આપવાનો આદેશ એજ્યુકેશન બોર્ડને આપ્યો. તે સમયે યાચિકાકર્તા વિદ્યાર્થીને પણ જૂની માર્કશીટ બોર્ડને જમા કરાવી લેટ ફી ભરવાનો આદેશ આપ્યો હતો.
આ વિદ્યાર્થીએ ફેબુ્રઆરી ૨૦૧૭માં ધો.૧૨ની બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાં તેને ૫૫.૩૭ ટકા માર્ક હતાં. પરંતુ મેડિકલમાં એડમિશન માટે નીટની પરીક્ષા આપવા મળે તે માટે તેણે પુનઃપરીક્ષા આપી અને ૬૫.૨ ટકા માર્ક મેળવ્યાં. ત્યારબાદ તેણે નીટની તૈયારી કરી અને કોટાના એક કોચિંગ ક્લાસમાં એડમિશન લીધું. તેણે અનેકવાર એ પરીક્ષા આપી. દરમ્યાન, ૨૦૨૨માં તેણે સુધારિત માર્કશીટ માટે બોર્ડને અરજી કરી ત્યારે બોર્ડે છ મહિનામાં માર્કશીટ ન લીધી હોવાથી તે આપવાની ના પાડતાં આ વિદ્યાર્થીએ કોર્ટનો આશરો લીધો હતો. કારણ તેમાં વિદ્યાર્થીને માર્કશીટ લેવામાં થયેલાં વિલંબનું યોગ્ય સ્પષ્ટીકરણ કોર્ટે નોંધ્યું હતું. જેના આધારે વિદ્યાર્થીને માર્કશીટ મળવી વ્યાજબી છે.