કાયદાનું શાસન જાળવવા થાણે પોલીસ સત્તાધીશ અને કેડીએમસીને આદેશ

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
કાયદાનું શાસન જાળવવા થાણે પોલીસ સત્તાધીશ અને કેડીએમસીને આદેશ 1 - image


બોમ્બે હાઇકોર્ટે સત્તાધીશોની ઝાટકણી કાઢી

એક ઇમારતનું ડિમોલિશન કરવા ગયેલી ટીમને ટોળાએ અટકાવ્યું હતું

મુંબઇ: કાયદાનુસાર બધુ થવું જોઈએ અને ટોળાના કહેવાથી કોર્ટના ઓર્ડરનું અનુપાલન અટકવું નહીં જોઈએ તેવું બોમ્બે હાઇકોર્ટે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનને અને કમિશનર ઓફ પોલીસને કહ્યું હતું.

ડોમ્બિવલી (ઇસ્ટ)માં એક ગેરકાયદે બાંધકામના ડિમોલિશનને રહેવાસીઓ અને રાજકીય પક્ષના કાર્યકરોને અટકાવ્યું હતું તે પછી કેડીએમસીએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી.

આવા વ્યક્તિઓ કાયદો હાથમાં લે તે સ્વીકાર્ય નથી તેવું કોર્ટે કહ્યું હતું. ડિવિઝન બેન્ચે કહ્યું કે 'જ્યાં સુધી સક્ષમ કોર્ટ કોર્પોરેશનના ડિમોલિશનના ઓર્ડર પર સ્ટે નહીં મૂકે અથવા ફગાવી નહીં દે ત્યાં સુધી ડિમોલિશન કાર્યવાહી ટોળાના કહેવાથી અથવા કેટલાક કબ્જેદારોના આપઘાત કરવાની ધમકીથી અટકાવી નહીં શકાય.'

બોમ્બે હાઇકોર્ટની જસ્ટિસ મહેશ એસ. સોનક અને જસ્ટિસ કમલ આર ખારાની ડિવિઝન બેન્ચ ડિમોલિશન ઓર્ડરનું પાલન કરાવવા કેડીએમસીને નિર્દેશ આપવા એક અરજદારની અરજી પર સુનાવણી કરી રહી હતી.

ડોમ્બિવલી (ઇસ્ટ)ના માનપાડા રોડ નજીક આવેલી એક ઇમારતના ડિમોલિશન કરવાના હાઇકોર્ટના આદેશ સંબંધમાં સુનાવણી થઈ રહી હતી. ૯ માર્ચ, ૨૦૨૧ તારીખે બોમ્બે હાઇકોર્ટે ઇમારતના ડિમોલિશનનો આદેશ આપ્યો હતો.

પાંચમી જુલાઈએ કેડીએમસીએ હાઇકોર્ટમાં નિવેદન કર્યું હતું કે ૧૬મી જુલાઈએ ડિમોલિશનના આદેશનું પાલન કરવામાં આવશે. અધિકારીઓને ડિમોલિશન માટે પાલિકના અધિકારીઓને જરૂરી રક્ષણ આપવા બેન્ચે પોલીસ સત્તાધીશોને નિર્દેશ આપ્યા હતા. ડિમોલિશન કરાયા પછી કોમ્પ્લાયન્સ રિપોર્ટ (અડિપાલનનો અહેવાલ) આપવા કોર્ટે કેડીએમસીને કહ્યું હતું.

૨૬મી જુલાઈ શુક્રવારે કેડીએમસીએ કોર્ટમાં કહ્યું હતું કે સત્તાપક્ષના કાર્યકરોના હસ્તક્ષેપથી સાઇટ પર ટોળું ભેગું થયું હતું અને ડિમોલિશન કરી શકાયું નહોતું.

બેન્ચે મૌખિક રીતે કહ્યું કે 'શું કોઈ પણ વ્યક્તિ (રાજકીય) ૫૦૦ વ્યક્તિને ભેગા કરીને આ રીતે ડિમોલિશન અટકાવી શકે?'

થાણેના પોલીસ સત્તાધીશોને કેડીએમસીની એફઆઇઆરમાં તપાસ કરવાની અને 'કાયદાકીય પ્રક્રિયા અટકાવનારા સામે કાયદા અનુસાર પગલાં ભરવા પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યા હતા. ૧૨મી ઓગસ્ટ સુધી કોમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવા કોર્ટે કેડીએમસી કમિશનર અને થાણેના કમિશનર ઓફ પોલીસ (સીપી)ને નિદ્રેશ આપ્યા હતા.


Google NewsGoogle News