ઘરનુ વેચાણ ખત રદ થયા બાદ વૃદ્ધને સ્ટેમ્પ ડયૂટી પાછી આપવા આદેશ
વેચાણ કરાર રદ થયો તેમાં અરજદારની જવાબદારી નથી
બિલ્ડરે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ નહીં કરતાં વૃદ્ધે રકમ પાછી માગી હતી, 5 વર્ષ પછી બિલ્ડરે પૈસા આપ્યા બાદમાં સ્ટેમ્પ ડયૂટી પાછી મેળવવા લડત
મુંબઈ :ઘર ખરીદી કરાર પાંચ વર્ષ બાદ રદ થવા છતાં વરિષ્ઠ નાગરિકને સ્ટેમ્પ ડયુટી પાછી આપવાનો હાઈ કોર્ટે મહેસૂલ વિભાગને આદેશ આપ્યો છે. જીવનની ઢળતી સાંજે અરજદારનું સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું નથી. ઘર માટે ભરેલી રકમ પાછી લેવા માટે પહેલાં જ તેમણે ઘણી લડત આપી હતી. કરાર રદ કરવા માટે થયેલા વિલંબ માટે તે જવાબદાર નથી. આથી તેમને પૈસા પાછા મળવા જોઈએ, એવું નિરીક્ષણ કરીને હાઈ કોર્ટે પુણેના ૬૦ વર્ષીય નાગરિકને રાહત આપી હતી.
પુણેના રહેવાસી સતીશ શેટ્ટીએ એક હાઉસિંગ પ્રોજેક્ટમાં ઘર બુક કરાવ્યું હતું. બિલ્ડર સાથે રીતસર ઘર ખરીદીનો કરાર થયો હતો. જે માટે ૪,૭૬ લાખની સ્ટેમ્પ ડયુટી અને રૃ.૩૦ હજાર રજિસ્ટ્રેશન ફી પણ ભરી હીત. સમયસર ઘર પાછું નહીં મળતાં બિલ્ડર પાસે એડવાન્સ ભરેલી રકમ પાછી માગી હતી. બિલ્ડરે ઈનકાર કરતાં તેમણે રેરા સુધી લડાઈ ચલાવી હતી. ત્યારબાદ બિલ્ડર પૈસા આપવા તૈયાર થયો હતો. પાંચ વર્ષનો સમય વિતી ગયો હતો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શેટ્ટીને ઘર ખરીદીનો કરાર કરદ કરતાં સ્ટેમ્પ ડયુટીની રકમ પણ પાછી માગી હતી. મહેસૂલ વિભાગે ભરેલી રકમ આપવાનો ઈનકાર કર્યો હતો. તેની સામે શેટ્ટીએ કલેક્ટર પાસે અપીલ કરી એ પણ ફગાવાઈ હતી. શેટ્ટીએ છેવટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
નવું ઘર વેચાણથી લેતી વખતે બિલ્ડર સાથે ખરીદી કરાર થાય છે, આ કરાર પાંચ વર્ષની અંદર રદ થાય તો સ્ટેમ્પ ડયુટી પાછી મળે છે. પાંચ વર્ષ બાદ કરાર રદ થાય તો સ્ટેમ્પ ડયુટીના પૈસા પાછા મળતા નથી. એવો નિયમ હોવા છતાં કરાર રદ કરવામાં વિલંબ કેમ થયો? એનો વિચાર થવો જોઈએ. મહેસૂલ વિભાગને વિશેષ અધિકાર નહોય તો પણ કોર્ટને વિશેષ અધિકાર છે. જેનો ઉપયોગ કરીને સ્ટેમ્પ ડયુટી પાછી નહીં આપનારા મહેસૂલ વિભાગનો આદેશ રદ કરી શકાય છે, એમ સ્પષ્ટ કરીને ન્યા. જામદારે પુણે મહેસૂલ વિભાગ અને બીરવીલી સ્ટેમ્પ કલેક્ટરને ઝટકો આપ્યો હતો.