લોકલ ટ્રેનમાંથી પડીને મૃત્યુ બદલ પરિવારને 8 લાખના વળતરનો આદેશ
પ્રવાસીને અપાત્ર પુરવાર કરવા ટિકિટનો અભાવ પુરતી બાબત નથી
યુવક પાસે માસિક પાસ હોવાનું પરિવારે પુરવાર કર્યાની નોઁધ
મુંબઈ - ગીચોગીચ ભરેલી મુંબઈ લોકલ ટ્રેનમાંથી ૨૦૧૦માં પડીને મૃત્યુ પામેલા યુવા પ્રવાસીના માતાપિતાને બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં રૃ. આઠ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.
ન્યા. પુનીવાલાની બેન્ચે રેલવે ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે અરજી ફગાવતા આદેશને પલટાવ્યો હતો. પ્રવાસી પાસેથી ટિકિટ મળી ન હોવાથી પાત્ર પ્રવાસી નહોવાનું ટ્રિબ્યુનલે નોંધ્યું હતું.
આઠ જાન્યુઆરીના આદેશમાં હાઈ કોર્ટે જણાવ્યું હતું કે મૃતક ટ્રેનમાંથી અકસ્માતે પડયો હોવાનું દર્શાવતા પુરતા પુરાવા છે અને તેને અનિચ્છનીય ઘટના બની હોવાથી રેલવે કાયદા હેઠળ વળતરને પાત્ર છે. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે પોલીસે અહેવાલમાં, મેડિકલ સર્ટિફિકેટ અને સોગંદનામામાં પણ આ વાતની પુષ્ટી કરાઈ છે.
તમામ પુરાવાને એકત્ર કરતાં સ્પષ્ટ થાય છે કે અપીલકર્તાનો પુત્ર સેન્ડહર્સ્ટ રોડ ખાતે ટ્રેનમાંથી અકસ્માતે પડીને મૃત્યુ પામ્યો હતો. આઠ મે ૨૦૧૦ના રોજ નાસીર અહેમદ ખાન વડાલાથી ચિંચપોકલી જતાં ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામ્યો હતો. યુવક પાસે માસિક પાસ હતો અને ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો.
કોર્ટે એ વાતની પણ નોધ કરી હતી કે પ્રવાસીનો કાયદેસર દરજ્જો નકારવા માટે ટિકિટનો અભાવ પુરતી બાબત નથી. અપીલકર્તાએ સ્પષ્ટપણે પુરવાર કર્યું હતું કે મૃતક પાસે માસિક પાસ હતો અને પાત્ર પ્રવાસી હતો. આવો કોઈ પાસ મૃતક પાસે નહોવાનું પુરવાર કરવાની જવાબદારી રેલવે પર આવી હતી. આથી કેન્દ્ર સરકારને આદેશ આપીને માતા અને પિતા બંનેને રૃ. ચાર-ચાર લાખનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો. સાત ટકા વ્યાજ સાથે આઠ સપ્તાહમાં ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.