રાજ્યની તમામ શાળામાં 1 માસમાં સીસીટીવી ગોઠવવા આદેશ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
રાજ્યની તમામ શાળામાં 1 માસમાં સીસીટીવી ગોઠવવા આદેશ 1 - image


બદલાપુરની ઘટના પછી રાજ્ય સરકાર સફાળી જાગી

કર્મચારીઓનું બેકગ્રાઉન્ડ ચેક કરવા, ગર્લ્સ ટોઈલેટ ઉપરાંત સ્કૂલ બસમાં મહિલા કર્મચારીઓની જ નિયુક્તી કરવા પણ ગાઈડલાઈન

મુંબઇ :  મહારાષ્ટ્રની તમામ શાળાઓમાં સીસીટીવી કેમેરા નેટવર્ક એક મહિનામાં લગાવવાના નિર્દેશ બુધવારે સરકારે આપ્યા હતા. બદલાપુરની શાળામાં જાતીય શોષણની ઘટનાને પગલે સરકારે આદેશ બહાર પાડયો છે.

આદેશનું પાલન કરવામાં નહી આવે તો સ્કૂલ ચલાવવાની પરવાનગી પાછી ખેંચવા સહિતના પગલાં ભરવામાં આવશે તેવું મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા જણાવાયું છે. 

બદલાપુરની શાળામાં બનેલી આ ઘટનાને પગલે રાજ્યના ઘણા હિસ્સામાં દેખાવો થયા હતા. શિક્ષણ પ્રધાનના આદેશમાં કહેવામાં આવ્યું કે શાળાના પ્રાંગણમાં યોગ્ય સ્થળે સીસીટીવી કેમેરા લગાવવાની ગાઇડલાઇન્સનું રાજ્યની તમામ ખાનગી શાળાઓએ પાલન કરવાનું છે. આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જનારી શાળાઓને મળતી ગ્રાન્ટ અટકાવવામાં આવે અથવા શાળા ચલાવ વાની પરવાનગી પાછી ખેંચવામાં આવે તેવા પગલાં ભરવામાં આવશે.

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષા અને સલામતી સુદઢ કરવા સીસીટીવી કેમેરા નેટવર્ક મહત્વનું પગલું છે તેવું શિક્ષણ પ્રધાનના આદેશમાં કહેવામાં આવ્યું છે. ડિસ્ટ્રીક્ટ પ્લાનિંગ એન્ડ ડેવેલોપમેન્ટમાં સરકારી અને સરકારી એઇડેડ (મદદ મેળવતી) શાળાઓ માટે ફાળવમાં આવેલા ભંડોળમાંથી પાંચ ટકાનો ઉપયોગ સીસીટીવી નેટવર્કના ઇન્સ્ટોલેશન માટે કરવાની પરવાનગી રાજ્યના શાળા શિક્ષણ વિભાગે આપી છે.

સૂચિત સીસીટીવી નેટવર્કથી મળેલા ફૂટેજને સપ્તાહમાં ઓછામાં ઓછી ત્રણ વાર જોવાની સૂચના આપવામાં આવી છે. જો ફૂટેજમાં કોઇ ચિંતાજનક ઘટના જોવા મળે તો પોલીસનો સંપર્ક કરવાની જવાબદારી આચાર્યની રહેશે  તેવું ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓનું બેકગ્રાઉન્ડ સ્થાનિક પોલીસ મથકની મદદથી શાળાના મેનેજમેન્ટે  ચેક કરવું પડશે. અને કર્મચારીઓના ફોટા અને વિગતો શાળાઓએ સ્થાનિક પોલીસ મથકને આપવી પડશે. શાળાઓમાં 'ફરિયાદ પેટી' પૂરી પાડવી પડશે .

રાજ્ય સરકાર  દ્વારા  તમામ શાળાઓમાં કન્યાના વોશરૃમમાં મહિલા કર્મચારીઓને નોકરી પર રાખવા તથા વિદ્યાર્થીઓને લઇ જતી બસ, ટેક્સી અથવા વેનમાં મહિલા કર્મચારીને બેસાડવાનું ફરજિયાત  કરવાની ગાઈડલાઈન પણ જારી કરાઈ છે.



Google NewsGoogle News