મુંબઈએરપોર્ટ પર ફલાઈટ્સ સમય કરતાં વહેલી ન લાવવા ફરમાન

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
મુંબઈએરપોર્ટ પર ફલાઈટ્સ સમય કરતાં વહેલી ન લાવવા ફરમાન 1 - image


મોડી પડે તો પણ તકલીફ અને વહેલી આવે તો પણ હાલાકી

દરરોજ 100 ફલાઈટ્સ સમય કરતાં વહેલી આવી જતાં અન્ય ફલાઈટ્સનું શિડયૂલ ખોરવાતું હોવાથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયની તાકીદ

મુંબઇ - મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નિર્ધારિત સમયથી વહેલી આવનારી ફ્લાઇટ્સને  તેમના નિર્ધારિત સમયે જ ઉતરાણ કરવા  નિર્દેશ આપવામાં આવ્યા છે. મુંબઈ એરપોર્ટ પર દરરોજ ૧૦૦૦ ફ્લાઇટ્સની અવરજવર થતી હોય છે તેમાંથી લગભગ ૧૦૦ જેટલી ફ્લાઇટ વહેલી પહોંચી જાય છે. અહીં વહેલી પહોંચનારી કેટલીક ફ્લાઇટ્સને ઉતરાણ કરાવવાની ગતિવિધિમાં અન્ય ફ્લાઇટ્સને મોડી કરવી પડે છે અને તેમનું સમયપત્રક ખોરવાય છે. 

મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ્સનું સમયપત્રક નિયમિત કરવા કોઈ પણ વિમાને નિર્ધારિત સમય અગાઉ અથવા ખૂબ મોડેથી આવવું ન જોઈએ તેવા નિર્દેશ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તાજેતરમાં મુંબઈ એરપોર્ટને આપ્યા છે.

થોડા દિવસ અગાઉ ઘણી ફ્લાઇટ્સને મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કરવા વિવિધ કારણોસર ગ્રીન સિગ્નલ ન મળતા અડધો કલાક અથવા વધુ સમય આકાશમાં ચક્કર મારવા પડતા હતા. તે પછી  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુંબઈ એરપોર્ટને તેને ત્યાં શિડયૂલિંગ ફલાઈટસની સંખ્યા ઘટાડવા આદેશો આપ્યા હતા. 

વિમાનને ટેકઓફ્ફ કરવામાં અથવા ઉતરાણ કરવામાં જે સમય ફાળવવામાં આવે છે તેને એરપોર્ટ સ્લોટ કહેવામાં આવે છે. મુંબઈ એરપોર્ટ દ્વારા આ સ્લોટ્સ ઘટાડાયા પછી  વિવિધ એરલાઇન્સે  અનેક ફલાઈટ્સ કેન્સલ કરવી પડી છે. જોકે, હવે કેટલીક ફ્લાઇટ્સ વહેલી આવી પહોંચતી હોવાનો પ્રશ્ન સર્જાતાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુંબઈ એરપોર્ટસને કોઈ ફલાઈટ્સ વહેલી પણ ન ઉતરાણ કરે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે. 

ફ્લાઇટ્સ ન વહેલી પહોંચે, ન મોડી પહોંચે તેવી સિસ્ટમ ઊભી કરવા એરલાઇન્સ અને એરટ્રાફિક કન્ટ્રોલ (એટીસી) સાથે મળીને તૈયાર કરવા મુંબઈ એરપોર્ટને નિર્દેશ આપવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સૂચનાઓને પગલે મુંબઈ એરપોર્ટ પર ફલાઈટ્સની સમયબદ્ધતામાં સુધારો થયો છે પરંતુ સાથે સાથે ફલાઈટ્સની સંખ્યા ઘટી જતાં વિમાની ભાડાં પણ વધી ગયાં છે.



Google NewsGoogle News