વિદ્યાર્થીઓની આન્સરશીટમાંથી લખેલાં પાનાં જ ગાયબ થયાં
સ્કેનિંગ કરેલી ઉત્તરવહી મળતાં ગોટાળો પકડાયો
મુંબઈ યુનિવર્સિટીના બેદરકાર કારભારથી વિદ્યાર્થિનીને ઓછાં માર્ક્સ અને એટીકેટી મળી
મુંબઈ : મુંબઈ યુનિવર્સિટી વતી લેવાયેલી વિવિધ કોર્સની પરીક્ષાની વિદ્યાર્થીઓએ લખેલી આન્સરશીટના કેટલાંક પાના ગાયબ થતાં તેની અસર વિદ્યાર્થીઓના રીઝલ્ટ પર જોવા મળી હોવાનો દાવો વિદ્યાર્થીઓએ કર્યો છે. અનેક વિદ્યાર્થીઓને એટીકેટી લાગી છે તો કેટલાંક નાપાસ પણ થયા છે. આથી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઉત્તરવહીઓ સ્કેનિંગ કરતી સિસ્ટમ સામે સવાલો ઉપસ્થિત થયા છે.
બીઈ સિવિલના ચોથા વર્ષમાં ભણી રહેલી એક વિદ્યાર્થિનીએ સાતમી સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. તેમાં બે વિષયમાં તેને ઓછાં માર્ક્સ અને એટીકેટી મળી. આથી તે વિદ્યાર્થિનીએ બંને પેપર મુંબઈ યુનિવર્સિટીને પુનઃતપાસવા અરજી કરી. આ વિદ્યાર્થિનીને આન્સરશીટની કૉપી મળતાં તેમાં ઉત્તરપત્રિકાના કેટલાંક પાનાં જ ગાયબ હોવાનું તેના ધ્યાનમાં આવ્યું. આ અધૂરી ઉત્તરવહી જો તપાસવામાં આવે તો તેનું વર્ષ બગડવાનો હવે તેને ભય છે. યુનિવર્સિટીએ મોકલેલી પીડીએફમાં ઉત્તરવહીના તમામ પાના દેખાવા જોઈએ. પરંતુ તે દેખાતાં ન હોવાથી વિદ્યાર્થિનીએ ચિંતા વ્યક્ત કરી છે. આ બાબતે તેણે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને ફરિયાદ પણ કરી છે.
યુબીટી યુવાસેનાના સભ્યોએ એવો આરોપ કર્યો છે કે, જે ખાનગી કંપનીને પરીક્ષા વિભાગની ઉત્તરવહીના સ્કેનિંગનું કામ સોંપાયું છે. તેના દ્વારા અનેકવાર પરીક્ષાના કામમાં ભૂલો થઈ છે, છતાં યુનિવર્સિટી પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે.