મહારાષ્ટ્રમાં કુલ 17 મહિલા ઉમેદવારોમાંથી માત્ર 7ની જીત
કોંગ્રેસે 4 મહિલાઓને ટિકિટ આપી , ચારેય જીતી ગઈ
મુંબઈમાં 1 મહિલાની હાર, 1ની જીતઃ ભાજપની 2 મહિલા જીતીઃ સુપ્રિયા સૂળેની ભાભી સામે જીત તથા નવનીત રાણા, પંકજા મુંડેની હારની સૌથી વધુ ચર્ચા
મુંબઇ : મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ પાર પડેલ લોકસભાની ચૂંટણીમાં પ્રમુખ રાજકીય પાર્ટીઓ દ્વારા રાજ્યમાં કુલ ૧૭ મહિલાઓને મેદાનમાં ઊતારવામાં આવી હતી. જેમાંથી સાત મહિલાઓ વિજયી થઈ છે અને તેમાંય ચાર તો માત્ર કૉંગ્રેસ પાર્ટીની જ છે.
મુખ્ય વિજેતાઓમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રિયા સુળેનો સમાવેશ છે. જેમણે પોતાના પિતરાઈ તેમજ રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રા પવારને હરાવી સતત ચોથીવાર બારામતીની સીટ મેળવી છે. બારામતીની સીટ પર આ વખતે રણમેદાન એટલે રોચક હતું કારણ એક જ પરિવારની બે મહિલાઓ સામસામે ચૂંટણી લડી રહી હતી. સુપ્રિયા સુળેએ તેમના ભાભીને ૧,૫૮,૩૩૩ મતની સરસાઈથી હરાવ્યાં છે.
ભાજપાએ આ વખતે સૌથી વધુ છ મહિલા ઉમેદવારોને લોકસભા સીટની ટિકીટ આપી હતી. જોકે તેમાંથી પણ બે મહિલા ઉમેદવારો જ જીત હાંસલ કરી શકી છે. તેમાં જળગાંવથી સ્મિતા વાઘ અને રાવેર લોકસભા સીટથી રક્ષા ખડસે જીત્યાં છે. ખડસે ૨,૮૭,૧૮૩ મતની સરસાઈથી તો વાઘ એ ૨,૫૧,૫૯૪ મત વધુ મેળવી જીત હાંસલ કરી છે.
ખાસ તો એ છે કે કૉંગ્રેસ પાર્ટીએ ચાર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઊતારી હતી. જેમાં પ્રણિતી શિંદે અને વર્ષા ગાયકવાડ એ સિટીંગ ધારાસભ્ય મહિલાઓ પણ હતી અને ચારેય મહિલા ઉમેદવારોએ જીત મેળવી છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદેની પુત્રી તથા સોલાપુર શહેરના વિધાનસભ્ય એવા પ્રણિતી શિંદેએ ૭૪,૧૯૭ મતની સરસાઈથી ભાજપના રામ સાતપુતેને હાર દાખવી છે. તો વર્ષા ગાયકવાડ જે કૉંગ્રેસના મુંબઈ યુનિટ પ્રેસિડેન્ટ છે, તેમણે મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા સીટ પર ભાજપના ઉજ્જવલ નિકમને ૧૬,૫૧૪ વોટથી હરાવ્યા છે. વરોરાથી કૉંગ્રેસના હાલના વિધાનસભ્ય પ્રતિભા ધનોરકરે ચંદ્રપુર લોકસભાની સીટમાં ૨,૬૦,૪૦૬ મતથી જીત હાંસલ કરી છે. તો ઉત્તર મહારાષ્ટ્રમાં ધુળે લોકસભા સીટમાં પણ કૉંગ્રેસ ઉમેદવાર શોભા દિનેશ બચ્છાવે ૩,૮૩૧ મતથી જીત પ્રાપ્ત કરી છે.