મુંબઈની સ્કૂલો-જૂનિયર કૉલેજોમાં માત્ર 11 દિવસની દિવાળીની રજા
છેલ્લી ઘડીએ શિક્ષણ વિભાગે રજાઓ ટૂંકાવતાં શિક્ષકો-વાલીઓ નારાજ
10 થી 22 નવેમ્બર રજા અને 23મીથી નિયમિત સ્કૂલો શરુ કરવાના આદેશ સામે શિક્ષકોનો વિરોધ, આદેશ પાછો ખેંચવાની માગ
મુંબઈ : મુંબઈની સ્કૂલોને આગામી ૧૦ થી ૨૨ નવેમ્બર દરમ્યાન માત્ર ૧૧ દિવસની જ દિવાળીની રજા મળશે. ૨૩ નવેમ્બરથી સ્કૂલો નિયમિતપણે શરુ કરવાનો આદેશ શિક્ષણ નિરીક્ષકે મુંબઈની સ્કૂલોને આપ્યો છે. દિવાળીની રજાઓ ઓછી કરાતાં શિક્ષકોએ વિરોધ કરી આ આદેશ પાછો ખેંચવાની માગ કરી છે.
સ્કૂલોએ શૈક્ષણિક વર્ષમાં ૭૬થી વધુ રજાઓ ન થાય તેનું ધ્યાન રાખી વર્ષભરની રજાઓનું આયોજન કરવું એવી સૂચના આપી શિક્ષણ નિરીક્ષકે રજાનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. સ્કૂલો દિવાળી કે ઉનાળુ સત્રની લાંબી રજાઓ ઓછી કરી તેનું સમાયોજન એજ્યુકેશન ઈન્સ્પેક્ટરની પરવાનગીથી ગણેશોત્સવ કે નાતાલની રજાઓમાં કરી શકે છે, એવો આદેશ પહેલાં જ અપાયો છે. તે મુજબ દિવાળીની રજા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦ થી ૨૨ નવેમ્બર એમ ૧૧ દિવસની રહેશે. ૨૩ નવેમ્બરથી સ્કૂલો નિયમિતપણે શરુ થશે.
દરમ્યાન શિક્ષકોનું કહેવું છે કે આ રજાઓનું ટાઈમટેબલ ચાલું વર્ષના જાન્યુઆરી મહિને અથવા સ્કૂલો શરુ થતાંની સાથે જ આવવું જોઈતું હતું. અનેક શિક્ષકો, વિદ્યાર્થીઓએ પરરાજ્યોમાં પોતાને ગામ જવા માટે ચાર મહિના પહેલાં ટિકીટો લઈ લીધી છે. અનેક સ્કૂલોએ તો આઠમી નવેમ્બરથી રજા જાહેર પણ કરી દીધી છે. હવે માત્ર ૧૧ દિવસની રજાનો આદેશ છેલ્લી ઘડીએ આપવો એ યોગ્ય ન હોવાથી આ આદેશ પાછો ખેંચવો જોઈએ.