આરટીઓના 1 હજાર અધિકારીઓની ઓનલાઇન ટ્રાન્સફર શરૃ થઇ

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
આરટીઓના 1 હજાર અધિકારીઓની ઓનલાઇન ટ્રાન્સફર શરૃ થઇ 1 - image


હવે બદલીમાં પારદર્શિતા વધશે, ભ્રષ્ટાચાર બંધ થશે

બ્લોકચેઇન  ટેકનોલોજી  આધારિત  ઓનલાઇન  ટ્રાન્સફર સિસ્ટમમાં  માનવ  હસ્તક્ષેપ  વિના  આપોઆપ બદલી  થશે

મુંબઇ :    મહારાષ્ટ્રના રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ-આરટીઓમાં વર્ષો સુધી નાણાં સાટે બદલીના આક્ષેપો થયા બાદ રાજ્યના પરિવહન વિભાગે સોમવારથી પારદર્શિતા વધારવા અને ભ્રષ્ટાચારનો અંત લાવવાના હેતુથી ૧૦૦૦ આરટીઓ અધિકારીઓની બદલી ઓનલાઇન કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. 

એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઓનલાઇન ટ્રાન્સફર સિસ્ટમમાં કોઇ માનવ હસ્તક્ષેપ કરવામાં આવતો નથી અને આ ટ્રાન્સફર બ્લોકચેઇન ટેકનોલોજીની સહાયથી ઓનલાઇન ટ્રાન્સફર  સિસ્ટમ  દ્વારા કરવામાં આવશે જેથી તેમાં લાગવગ લગાડવાનો, સારું  પોસ્ટિંગ મેળવવા અને સારા સ્થળે બદલી કરાવવા માટે  અવકાશ જ નહીં રહે. 

ટ્રાન્સપોર્ટ કમિશનરના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં આશરે એક હજાર મોટર વેહિકલ ઇન્સપેક્ટર્સ -એમવીઆઇ અને આસિસ્ટન્ટ મોટર વેહિકલ ઇન્સપેક્ટર્સ-એએમવીઆઇ-ની ટ્રાન્સફર ઓનલાઇન સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. આને માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-એસઓપી અનુસાર અધિકારીઓની યાદી બનાવી અને જારી કરી દેવામાં આવી છે. બદલીપાત્ર અધિકારીઓએ  ૨૮ સપ્ટેમ્બરના રાત્રે બાર વાગ્યા સુધી તેમની પસંદગી જણાવવાની રહેશે.આ સમયગાળામાં કોઇ વધારો કરવામાં આવશે નહીં. જે અધિકારીઓ તેમની પસંદગી દર્શાવશે નહીં તેમની બદલી એસઓપીમાં નિયત કરાયેલી પદ્ધતિ અનુસાર કરવામાં આવશે તેમ એક આદેશમાં જણાવાયું છે. 

આ સિસ્ટમથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ડેટા સિસ્ટમમાં ફીડ કરી દેવામાં આવ્યો છે. જેમણે થાણા અથવા મુંબઇમાં કામ કર્યું હોય તેઓ આ જ વિસ્તારમાં ફરી પસંદગી દર્શાવી શકશે નહીં. તેમણે જ્યાં કામ કર્યું નથી તેવા વિસ્તારની પસંદગી દર્શાવવાની રહેશે. આમ,  જ્યાં માલ મળતો હોય તેવી જગ્યાએ  હવે એકના એક અધિકારીઓ જોવા મળશે નહીં. આ ઓનલાઇન સિસ્ટમમાં અધિકારીઓની પસંદગી તેમના અગાઉના પોસ્ટિંગના આધારે કરવામાં આવશે. આમ, દરેક અધિકારીને તમામ ઝોનમાં કામ કરવું પડશે અને એક જ અધિકારી મોકાની જગ્યા પચાવી પાડી લે તેવું બનશે નહીં. બીજા અધિકારીઓને પણ આવી જગ્યાઓ પર કામ કરવા મળશે.વાહનચાલકો  બાદ હવે આરટીઓના અધિકારીઓને પણ ટેકનોલોજીનો  લાભ મળવા   માંડયા ે છે. જેના પરિણામો આગામી સમયમાં જોવા મળશે.



Google NewsGoogle News