સમીર વાનખેડેના નિવૃત્ત એસીપી પિતા સાથે ઓનલાઈન ફ્રોડ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
સમીર વાનખેડેના  નિવૃત્ત એસીપી  પિતા સાથે ઓનલાઈન ફ્રોડ 1 - image


સસ્તા ડ્રાય ફ્રૂટના નામે પૈસા ગુમાવ્યા

ફેસબૂક પર જાહેરાત જોયા બાદ ઓર્ડર આપ્યો હતો, જીએસટીના નાણાં માગતાં કેન્સલ કર્યો, રિફંડ લેવા જતાં ભેરવાયા

મુંબઈ :  નિવૃત્ત આસિસ્ટંટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) જ્ઞાાનદેવ વાનખેડે સાથે સાઈબર ફ્રોડ થયાની ઓશિવરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વાનખેડેને સુકો મેવો સસ્તામાં આપવાના નામે રૃ. ૩૦ હજારની ઠગાઈનો સમાનો કરવો પડયો છે. વાનખેડે ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ અધિકારી સમીર વાનખેડેના પિતા છે.

વાનખેડેએ ફેસબુક પર સુકામેવા વિશેની જાહેરાત જોઈ હતી. જાહેરાત પર નવી મુંબઈના એપીએમસી માર્કેટના મંગલ ડ્રાયફ્રૂટ એમ લખ્યું હતું. તેના પર અજીત બોરા નામની વ્યક્તિનો મોબાઈલ નંબર હતો. વાનખેડેએ તે ફોન પર રવિવારે સંપર્ક  કરતાં સંબંધીત વ્યક્તિએ સસ્તા દરે સુકો મેવો આપશે એવું આશ્વાસન આપ્યું હતું. આ અનુસાર ફરિયાદીએ બદામ, કાજૂ, અંજીર અને અખરોટ એમ રૃ. બે હજારના મેવાની યાદી મોકલાવી હતી અને રૃ. બે હજાર ઈ વોલેટ દ્વારા મોકલ્યા હતા.

રવિવારે સાંજે વાનખેડેને બીજા નંબર પરથી ફોન આવ્યો હતો. તમારા સુકામેવાનું પાર્સલ તૈયાર છે, પણ જીએસટીનો વ્યવહાર લોક થયો છે. આથી જીએસટી ભરવો પડશે એમ જણાવ્યું હતું. વાનખેડેએ થોડી વાર બાદ ફરી ફોન કરીને સૂકો મેવો નથી જોઈતો અને પૈસા પાછા આપવા જણાવ્યું હતું. સામે વાળી વ્યક્તિએ બેન્ક ખાતામાં  ટેક્નિકલ સમસ્યા હોવાથી પહેલાં એક રૃપિયો મોકલવે છે એમ જણાવ્યું હતું. ત્યાર બાદ આરોપીએ એક કોડ મોકલ્યો હતો. આ કોડનો ઉપયોગ કરીને વ્યવહાર કરતાં વાનખેડેના ખાતામાંથી ચારથી પાંચ વ્યવહાર થયાના સંદેશ આવ્યા હતા. આખરે પોતાની ઠગાઈ થયાનું ધ્યાનમાં આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈટી પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News