સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી લેવાશે
1લી ડિસેમ્બરથી નિર્ણય લાગુ
વધારે વિદ્યાર્થી સંખ્યા દર્શાવતી સ્કૂલોને ફટકો પડશે
મુંબઈ : જિલ્લા પરિષદ, નગરપાલિકા, મહાપાલિકા અને અનુદાનિત શાળાના પહેલાંથી દસમા ધોરણના વિદ્યાર્થીઓની હાજરી પહેલી ડિસેમ્બરથી ઓનલાઈન પદ્ધતિએ લેવામાં આવશે. જેને લીધે બનાવટી વિદ્યાર્થી સંખ્યા દર્શાવતી સ્કૂલોને ફટકો પડશે.
ઓનલાઈન હાજરી માટે સમગ્ર શિક્ષા ઉપકાર્યાલય (સબ-ઓફિસ) પુણે ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સ્થાપિત કરાયું છે. વિદ્યાર્થીઓ તેમની ઉપસ્થિતિ 'સ્વિફ્ટચેટ' એપ્લિકેશનના 'અટેન્ડન્સ બૉટ' (ચેટબૉટ) દ્વારા ઓનલાઈન નોંધાવશે. અત્યારે શાલાર્થ આઈડી ધરાવતાં શિક્ષકોને ચેટબૉટ પર વિદ્યાર્થી હાજરી નોંધાવવા બાબતે માહિતી અપાશે.
જે સ્કૂલો બે સત્રમાં ભરાતી હોય તેમણે સવારે સાતથી બપોરે ૧૨ વચ્ચે તો બીજા સત્રની સ્કૂલે સવારે ૧૦ થી સાંજે ૫ વચ્ચે વિદ્યાર્થીઓની હાજરી નોંધાવવાની રહેશે. ઓનલાઈન હાજરી નોંધાવતી વખતે કોઈ સમસ્યા થાય તો તે માટે પણ એક લિન્ક શિક્ષકોને અપાશે, જેના પરથી શિક્ષકો માર્ગદર્શન મેળવી શકશે.