દક્ષિણ મુંબઇમાં કાંદા 100થી 110 રૃપિયે કિલો વેંચાવા માંડયા
ઠંડીની શરૃઆતની સાથે કાંદાની માંગમાં 20 ટકા વધારો
નવા કાંદા આવવામાં વિલંબને કારણે કિંમતમાં વધારો : ઇજિપ્તથી આવવા માંડેલી ડુંગળી
મુંબઇ : મુંબઇ અને મહામુંબઇ ક્ષેત્રમાં ધીમે ધીમે ઠંડક પ્રસરવા માંડતાની સાથે જ કાંદાભજી સહિત તીખ્ખા તમતમતા ઉસળ-મિસળ ઉપર શોખીનોએ તડી બોલાવવા માંડતા છેલ્લા થોડા દિવસ દરમ્યાન કાંદાની માંગમાં ૧૫ થી ૨૦ ટકા વધારો થયો છે. આની સાથે જ કાંદાના કિંમતે દક્ષિણ મુંબઇમાં સેન્ચુરી વટાવી છે અંતે અનેક જગ્યાએ ૧૧૦ રૃપિયે કિલો વેંચાવા માંડયા છે.
મુંબઇમાં ચોમાસા દરમ્યાન કાંદા રિટેલમાં ૪૦ થી ૫૦ રૃપિયે કિલો વેંચાતા હતા. પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી કાંદાના ભાવમાં જબરજસ્ત ઉછાલો આવ્યો છે. દક્ષિણ મુંબઇના વૈભવશાળી વિસ્તારમાં કાંદા ૧૦૦ થી ૧૧૦ રૃપિયે કિલો વેંચાઇ રહ્યાં છે. દાદર-પરેલમાં ૮૦ થી ૯૦ રૃપિયા, સેન્ટ્ર સબર્બમાં ૮૦ રૃપિયા, ઉત્તર મુંબઇના પરાંમાં ૬૦ થી ૮૦ રૃપિયા અને પૂર્વના ઉપનગરોમાં ૭૦ થી ૧૦૦ રૃપિયે કિલોના ભાવે કાંદા વેચાંય છે.
સામાન્ય રીતે ઓકટોબર-નવેમ્બરમાં કાંદાના ભાવ ઉંચા રહેતા હોય છે નવા કાંદા આવવા માંડે પછી ભાવ ગગડવા માંડે છે પરંતુ દિવાળી પછી આવી જતા નવા કાંદામાં આ વખતે વિલંબ થયો છે. કારણ કે કમોસમી વરસાદે કાંદાના પાકને નુકસાન પહોંચાડયું હતું. આમ ૨૦ ટકા ઓછી આવકની સાથે કાંદાની માંગમાં સતત વધારાને કારણે કિંમત આસમાને ગઇ છે. એમ નવી મુંબઇ એપીએમસીના વેપારીઓનું કહેવું છે.
હવે અફધાનિસ્તાનથી લસણ આવવા માંડયું
કાંદાની જેમ લસણના ભાવ પણ વધીને ૫૦૦ રૃપિયા પર પહોંચતા સામાન્ય લોકોનું કિચન બજેટ હચમચી ગયું છે. એટલે જેમ ઇજિપ્ત થી કાંદા મગાવવામાં આવી રહ્યા છે એવી રીતે હવે અફઘાનિસ્તાનથી લસણ આયાત થવા માંડયું છે. આપણાં કરતાં અફઘાનિસ્તાનમાં લસણ ઘણું સસ્તુ હોવાથી વેપારીઓ ત્યાંથી લસણ મગાવવા માંડયા છે. નાસિક બેસ્ટમાંથી આવતા નવા લસણ આવવામાં વિલંબ થવાથી ભાવ ભડક્યા છે. એમ વેપારીઓએ જણાવ્યુ ંહતું.