મહારાષ્ટ્રની હોલસેલ માર્કેટોમાં કાંદાના ભાવમાં 30 ટકાનો વધારો

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રની હોલસેલ માર્કેટોમાં કાંદાના ભાવમાં 30 ટકાનો વધારો 1 - image


તહેવારો ટાણે જ કાંદાના ભાવ વધ્યા

રિટેલમાં 30થી 35 રૃપિયે કિલોની કિંમતે વેંચાણ નવા કાંદાની આવક હજી શરૃ નથી થઇ

મુંબઇ :  કાંદીની ગગડેલી કિંમતે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા બાદ મહારાષ્ટ્રની હોલસેલ માર્કેટોમાં છેલ્લા એક અઠવાડિયામાં કાંદાના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો છે. કાંદાનો ક્વિન્ટલનો ભાવ ૨૫૦૦ રૃપિયાથી વધીને ૩૨૫૦ રૃપિયા ઉપર પહોંચ્યો છે.

મહારાષ્ટ્રના  લાસલગાંવ અને પિંપળગાવ એપીએમસીની ગણના આખા એશિયામાં કાંદાની મોટામાં મોટી બજારોમાં થાય છે. ગયા ઓગસ્ટમાં કાંદાના ભાવ વધવા માંડયા હતા. ઓગસ્ટના બીજા સપ્તાહમાં કાંદાના ક્વિન્ટલ દિઠ ભાવ ૧૨૦૦ રૃપિયાથી વધી ૧૯૦૦ રૃપિયા પર પહોંચ્યા હતા. ૯મી ઓગસ્ટે ઔર ઉછાળો આવતા ભાવ ૨૫૦૦ થયો હતો. કાંદા રિટેલમાં ૩૦-૪૦ રૃપિયે કિલો વેચાવા લાગ્યા હતા. પછી તો કાંદાનો ભાવ ૭૦ રૃપિયે કિલો થશે એવી ધારણા હતી ત્યાં જ સરકારે ભાવ પર અંકુશ મૂકવા માટે નિકાસ ડયુટી વધારીને ૪૦ ટકા કરી નાખી હતી. આમ ભાવ સ્થિર થયા હતા. અત્યારે ક્વોલિટી મુજબ કાંદા ૨૫-૩૦ રૃપિયે કિલો વેંચાય છે.

આ વખતે કાંદાનો ખરીફ પાક ૭થી ૮ ટકા ઓછો ઉતરશે એવી ધારણા છે. કારણ કે કર્ણાટક અને મહારાષ્ટ્રના કાંદા ઉત્પાદક પટ્ટામાં વરસાદની અનિયમિતતાને કારણે પાક ઓછો ઉતરવાથી આવનારા દિવસોમાં કાંદાના ભાવ વધવાની શક્યતા છે. જો કે ભાવમાં ભડકો ન થાય માટે સરકાર બફર સ્ટોકમાંથી કાંદા વેંચવા કાઢતી જાય છે. આ મહિનાથી નવા કાંદા આવશે એવી સરકારે શક્યતા દર્શાવી છે. જો કે ઓક્ટોબરના ૧૮ દિવસ વિત્યા છતાં હજી નવા કાંદાની આવક શરૃ નથી થઇ.



Google NewsGoogle News