કાંદાના ભાવ રુ. 100ની સપાટીને સ્પર્શી જતાં મુંબઈગરાની આંખમાં પાણી
કિંમત સાંભળી વાઈ આવે એને કાંદા સૂંઘાડાય એમ નથી
ચોમાસા પછી પણ વરસાદ ચાલુ રહેતાં પાકને નુકસાન થયું હોવાથી આવકો ઘટીઃ માંગ સામે 80 ટકા જ પુરવઠો
મુંબઈ : દિવાળી પછી કાંદાના ભાવમાં સતત થઈ રહેલા વધારાએ હદ કરી છે. ૮૦થી ૯૦ રૃપિયે કિલો વેંચાતા કાંદાનો ભાવ હવે ૧૦૦ રૃપિયાને આંબી ગયો છે. ડુંગળીનો નવો પાક બજારમાં નહીં આવે ત્યાં સુધી ડુંગળીના દામ આમઆદમીને દઝાડતા જ રહેશે.
નવી મુંબઈની એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ) બજારના વેપારીઓના જણાવાયા મુજબ ચોમાસા પછી પણ વરસાદ ચાલુ રહેવાથી કાંદાના પાકને નુકસાન થયું હતું. આને કારણે માર્કેટોમાં કાંદાની ઘટેલી આવક સામે ડિમાન્ડ વધવાથી ભાવ સડસડાટ ઊંચે જવા માંડયા છે.
આ વર્ષે જથ્થાબંધ કાંદા બજારમાં કાંદાનો સરેરાશ ભાવ ૨૫થી ૩૦ રૃપિયે કિલોથી વધીને ૩૫થી ૪૦ રૃપિયા રહ્યો છે. અત્યારે હોલસેલમાં કાંદા ૬૦ રૃપિયે કિલો વેંચાઈ રહ્યાં છે. એટલે રિટેલમાં ક્વોલિટી મુજબ ૮૦- ૯૦- ૧૦૦ રૃપિયે કિલોના ઊંચા ભાવે વેચાણ થઈ રહ્યું છે. એપીએમસી માર્કેટ દ્વારા કાંદાની ૮૦ ટકા જરૃરિયાત સંતોષી શકાય છે.
કાંદાના આંખોમાં પાણી લાવતા ભાવને લીધે મિડલ કલાસનું કિચન બજેટ સાવ ખોરવાઈ ગયું છે. ઘાટકોપર, અંધેરી, પવઈ, મલાડ, બોરીવલી, સાંતાક્રુઝ અન ેજૂહુ જેવાં ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોની બહોળી વસતી ધરાવતા પરાંમાં આજે કાંદાનો ભાવ ૮૦થી ૧૦૦ રૃપિયાની આસપાસ સંભળાયો હતો.
સોલાપુરના બાર્શીના એક ખેડૂતે જણાવ્યું હતું કે નવરાત્રિ પછી તરત અમે કાંદાની વાવણી કરવાનાં હતા. પરંતુ કમોસમી વરસાદ પડતા એ શક્ય બન્યું નહોતું.
એ.પી.એમ.સી. કાંદા- બટેટા માર્કેટના ડાયરેક્ટર અશોક વાળુંજે કહ્યું હતું કે આખો નવેમ્બર મહિનો કાંદાના ભાવ ઊંચા જ રહેશે. ત્યાર પછી નાસિક, પુણે, સોલાપુર અને અહમદનગર બાજુથી નવા કાંદાની આવક શરૃ થયા પછી ભાવમાં ઘટાડો થવા માંડશે.