કેન્દ્રને મળેલા ખોટા ડેટાના આધારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ લદાયો
કાંદાની અછત સર્જાશે તેવી આશંકા સાવ પાયાવિહોણી
મહારાષ્ટ્રના કૃષિ ભાવ પંચના અધ્યક્ષ તથા વેપારીઓનો દાવોઃ 31મી માર્ચ પછી પણ પ્રતિબંધ ચાલુ રહે તેવી ધારણાથી વાવેતર ઘટયું
મુંબઇ : કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ નહીં હોવો જોઇએ તેવું મહારાષ્ટ્રના એક કૃષિ નિષ્ણાતે તાજેતરમાં કહ્યું હતું. કેન્દ્ર સરકારનો નિર્ણય ખોટા ડેટા પર આધારિત છે. અને બજારમાં કાંદાની અછત થઇ શકે છે તેવો આધારહીન આશંકાને આધારે નિર્ણય લેવાયો હતો તેવું મહારાષ્ટ્રના એગ્રીકલ્ચરલ કોસ્ટસ એન્ડ પ્રાઇસિસ કમિશનના અધ્યક્ષ પાશા પટેલે કહ્યું છે.
વેમ્બર ૨૦૨૩માં સરકારની એક ટીમ દ્વારા મહારાષ્ટ્રની મુલાકાતે આવી હતી તે પછી કાંદાની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બીજના વેચાણ અને બીજ વાવવાની ચોક્સાઇ સહિતના કાંદાનો ખેતીનો ડેટા સતત પ્રાપ્ત કરવાની કોઇ પદ્ધતિના અભાવ અંગે પાશા પટેલે ચિંતા વ્યક્ત કરી હતી.
નાસિકના કાંદાના વેપારીઓએ પટેલના અભિપ્રાય સાથે સંમતિ દર્શાવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી કમોસમી વરસાદ ખરીફ પાકને નુકસાન કરી રહ્યો છે. તેમ છતાં કાંદાની અછત થવાની કોઇ સંભાવના તેમને જણાતી નથી. એકનાથ પટેલ નામના એક ખેડૂતે કહ્યું કે ૩૧મી માર્ચ પછી પણ પ્રતિબંધ હટાવવામાં આવે તેવી સંભાવના ઓછી છે. મહારાષ્ટ્રમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની સંખ્યા ઘટી છે આથી અગાઉની સરખામણીમાં વાવેતર ઘટી રહ્યું છે. કાંદાના પાકમાં ઘટાડો થશે તેવી સરકારને ચિંતા હોવાથી સામાન્ય ચૂંટણીના વર્ષમાં નિકાસ પ્રતિબંધ ઉઠાવવાનું જોખમ સરકાર લેશે નહીં તેવું ખેડૂતનું માનવું છે. ભાવમાં અચાનક જ વધારો અથવા ઘટાડો થતો રહેતો હોવાથી નાસિકમાં કેટલાક ખેડૂતો ડુંગળીની ખેતી કરવાનું ટાળી રહ્યા છે.
ભારતના કાંદા ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો ફાળો લગભગ ૪૩ ટકા છે. દર મહિને દેશમાં ૧૩ લાખ ટન કાંદાનો ઉપયોગ થઇ રહ્યો છે. જેમાંથી વાર્ષિક પુરવઠાના લગભગ ૭૦ ટકા હિસ્સો રવી પાકનો હોય છે. માર્ચ અને મે મહિનામાં રવી પાકની લલણી કરવામાં આવે છે જૂનથી સપ્ટેમ્બરમાં લલાણી થતી નથી અને રવી પાકના કાંદાનો સંગ્રહ બજારમાં ઠાલવવામાં આવે છે અને ભાવવધારો થતો હોય છે.