એપીએમસીમાં કાંદા સસ્તાં તો લસણ અને બટેટાના ભાવ વધ્યા
વેફરો બનાવવા બટાકાની માગણી
અન્ય રાજ્યોમાંથી લસણની આવક થઈ રહી છે, પરંતુ તે ઓછી હોવાથી ભાવમાં વધારો ઝીંકાયો
મુંબઈ : એપીએમસી માર્કેટમાં વધેલી આવક તથા નિકાસબંધીને લીધે કાંદાના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ જથ્થાબંધ માર્કેટમાં આવક ઓછી થતાં બટાટા તેમજ લસણના ભાવ પાંચથી દસ રુપિયા વધ્યા છે.
બે મહિના પહેલાં જથ્થાબંધ માર્કેટમાં કાંદાની કિંમત ૧૨ થી ૧૮ રુપિયા કિલો હતી. પરંતુ અત્યારે કાંદાની કિંમત કિલોએ એકથી બે રુપિયા ઓછી થઈ ૧૧ થી ૧૬ રુપિયા સુધીના ભાવે કાંદા વેંચાઈ રહ્યાં છે. જ્યારે બે મહિના પહેલાં લસણનો ભાવ જથ્થાબંધ માર્કેટમાં ૫૦ થી ૧૬૦ રુપિયા કિલો હતો. પરંતુ અત્યારે તેમાં વધારો થઈ લસણ ૭૦ થી ૧૬૦ રુપિયા સુધી ગયો છે. તેજ રીતે બટાટાના ભાવ ૧૨ થી ૧૭ રુપિયા હતા તે હવે ૧૭ થી ૨૩ રુપિયા કિલોએ પહોંચ્યાં છે.
ગુજરાત, મધ્યપ્રદેશ, ઈંદોર વગેરે સ્થળેથી લસણની આવક થાય છે, પરંતુ તે ઓછી હોવાથી તેના ભાવ વધ્યાં છે. બટેટા મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશથી માર્કેટમાં આવે છે. એપ્રિલ-મે માં વિવિધ વેફરો અને અન્ય પદાર્થો બનાવવા માટે બટાટાની માગણી વધી જતી હોય છે. બટેટાની માગણી વધતાં તેના ભાવમાં પણ વધારો થયો છે, એવું કાંદા-બટાટા માર્કેટના વેપારીઓનું કહેવું છે.