નાશિકમાં 10 દિવસથી કાંદાનું લીલામ અટકતાં દેશભરમાં પુરવઠો ખોરવાયો
એપીએમસી બજારોને 100 કરોડનું નુકસાન, ડુંગળીના ભાવ વધી શકે
લેબર તથા વેઇંગ ચાર્જ મુદ્દે વેપારીઓ તથા શ્રમિકોનાં સંગઠન વચ્ચે મડાગાંઠ સર્જાતાં લીલામ અટકી પડયું છે
મુંબઇ : એશિયાના મોટામાં મોટા કાંદા ઉત્પાદક ક્ષેત્ર તરીકે જાણીતા નાશિક જિલ્લાની જુદી જુદી એ.પી.એમ.સી. માર્કેટોમાં છેલ્લાં લગભગ આઠ-દસ દિવસથી કાંદાનું ઉત્પાદન બંધ હોવાથી આખા દેશના કાંદા પુરવઠા પર માઠી અસર થઇ છે. એ.પી.એમ.સી. બજારોને લગભગ ૧૦૦ કરોડનું નુકસાન થયું છે.
શરૃઆતમાં માર્ચ એન્ડમાં આવેલી રજા અને ત્યાર પછી હમાલ અને માપારી શ્રમિકોએ લેવી અને મજૂરીની માગણી સાથે કામ-બંધ આંદોલન શરૃ કરતા નાશિક, લાસલગાંવ અને મનમાડ સહિતની તમામ એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ની બજારોમાં ડુંગળીના લીલામની કામગીરી ઠપ થઇ ગઇ છે.
નાશિક જિલ્લામાંથી દરરોજ દેશના જુદા જુદા રાજ્યોમાં ૬ હજાર ટન કાંદા મોકલવામાં આવે છે. પરંતુ દસેક દિવસથી ડુંગળીનો જથ્થો બહાર મોકલવાની કામગીરી જ ખોરવાઇ ગઇ છે.
વેપારીઓએ લીલામમાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે. વેપારીઓનું કહેવું છે કે કાંદાના વજન અને લેબર ચાર્જના ૧૧ ટકા કાંદા વેંચનારા ખેડૂતોને ચૂંકવવામાં આવનારી રકમમાંથી કાપીને માથાડી વોર્ડમાં જમા નહીં કરાવીએ વેપારીઓની દલીલ એવી છે કે એપીએમસીમાં કાંદાનું વજન, લોડિંગ, અનલોડિંગ બધુ જ સ્વયંસંચાલિત રીતે થાય છે એટલે ખેડૂતને ચૂકવાતી રકમમાંથી ૧૧ ટકા લેબર ચાર્જ કાપવાનું યોગ્ય નથી. આ મામલે મડાગાંઠ સર્જાઇ છે. આ ઉપરાંત કાંદાના વેપારીઓ અને નાશિક ડિસ્ટ્રીક્ટ માથાડી વર્કર્સ યુનિયન વચ્ચે લેવીને મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે. માથાડી યુનિયનની એવી માગણી છે કે વેપારીઓ ખેડૂત પાસેથી જે રકમ વસૂલ કરે એમાંથી ૩૪ ટકા રકમ લેવી તરીકે યુનિયનને આપવો જોઇએ.
વેપારીઓ સામે પગલાં લેવાશે
નાશિકના કલેકટર જલજ શર્માએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં જ કાંદાના વેપારીઓ સાથે મારી મીટીંગ થઇ એમાં મે તેમને અપીલ કરી હતી કે પહેલાંની જેમ ખેડૂતોને જે પૈસા ચૂકવાય છે એમાંથી લેબર ચાર્જ અને લેવીની રકમ કાપવાની જૂની પદ્ધતિ ચાલું રાખો અને લીલામ શરૃ કરી નાખો. જો વેપારીઓ લીલામ શરૃ નહીં કરે તો તેમની સામે ઘટતા પગલાં લેવાનું હું માર્કેટીંગ વિભાગને જણાવીશ.