વેપારી હડતાલ પાછી ખચાંતાં નાસિકની તમામ એપીએમસીમાં કાંદાનું લીલામ શરુ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
વેપારી હડતાલ પાછી ખચાંતાં નાસિકની તમામ એપીએમસીમાં કાંદાનું લીલામ શરુ 1 - image


કમિટી રચી એક માસમાં પ્રશ્નોનો ઉકેલ લાવવાની સરકારની ખાતરી

એશિયાની સૌથી મોટી કાંદા માર્કેટ લસલગાંવ એપીએમસીમાં પહેલા દિવસે 545 ગાડી આવીઃ ક્વિન્ટલનો ભાવ સરેરાશ 2100 રુપિયા પડયો

મુંબઈ :  કાંદા પર નિકાસ ડયૂટી લાદવાના વિરોધમાં વેપારીઓએ શરુ કરેલી હડતાલ પાછી ખેંચી લેવાતાં નાસિક જિલ્લાની તમામ એપીએમસીમાં કાંદાનું લીલામ ફરી શરુ થયું હતું. ડુંગળીની નિકાસ પર ૪૦ ટકા ડયૂટી લાદવાના વિરોધમાં છેલ્લા ૧૩ દિવસથી વેપારીઓ હડતાલ  પર ઉતર્યા હતા. તેમના પ્રશ્નોનો એક મહિનામાં નિકાલ લવાશે તેવી બાંહેધરી મળતાં તેમણે હડતાલ પાછી ખેંચી હતી. 

હડતાલ પાછી ખેંચાયાના પહેલા દિવસેએશિયાની કાંદાની સૌથી મોટી જથ્થાબંધ માર્કેટ લસલગાંવ એપીએમસી ખાતે આજે ૫૪૫ ગાડીઓ ભરીને કાંદા ઠલવાયા હતા. 

બજાર સૂત્રોના જણાવ્યા અનુસાર ક્વોલિટી અનુસાર આ કાંદાનો ભાવ ક્વિન્ટલ દીઠ એક હજાર રુપિયાથી માંડીને ૨૫૪૧ રુપિયા સુધીનો બોલાયો હતો. સરેરાશ ભાવ   ક્વિન્ટલ દીઠ ૨૧૦૦ રુપિયા નોંધાયો હતો. 

કેન્દ્ર સરકારે કાંદા પર નિકાસ ડયૂટી વધારીને ૪૦ ટકા સુધીની કરી દેતાં વેપારીઓ ગત ૨૦મી સપ્ટેમ્બરથી હડતાલ પર ઉતરી ગયા હતા અને તેમણે કાંદાનું લીલામ બંધ કરી દીધું હતું. 

જોકે, ગઈકાલે મહારાષ્ટ્ર સરકારના પાલક મંત્રી દાદા ભૂસેએ વેપારીઓ સાથે બેઠક  યોજી હતી અને તેમના તમામ પ્રશ્નોનો એક મહિનામાં ઉકેલ લાવી દેવાશે તેવી ખાતરી આપી હતી. તે પછી વેપારીઓ હડતાલ પાછી  ખેંચવા સંમત થયા હતા. 

નાસિક જિલ્લા ઓનિઅન ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ ખંડુ દેવરેએ કહ્યું હતું કે વેપારીઓની માગણી અંગે નિર્ણય માટે એક કમિટી રચવામાં આવશે અને એક મહિનાની અંદર આ માગણીઓ સંતોષવામાં આવશે તેવી શરતના આધારે અમે હડતાલ પાછી ખેંચી છે. જો, અમારી માગણી નહીં સંતોષાય તો અમે ફરીથી હડતાલ શરુ કરી દેશું. 

જોકે, નંદગાવમાં હજુ પણ વેપારીઓએ હડતાલ પાછી ખેંચી નથી. ત્યાં આજે પણ લીલામ બંધ રહ્યું હતું એમ બજાર સૂત્રોએ જણાવ્યું  હતું.



Google NewsGoogle News