મરાઠી અભિનેત્રી ઉર્મિલા કોઠારના કારની ટક્કર થી એક કામદારનું મોતઃ એક ઘાયલ
- અભિનેત્રી ફિલ્મનું શૂટીંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી
- કાર ડ્રાઈવરે વાહન પર કાબુ ગુમાવી બેસતા મેટ્રો રેલના કામમાં રોકાયેલા મજૂરોને અડફેટમાં લીધા
મુંબઈ : કાંદિવલી વિસ્તારમાં શુક્રવારે મધ્યરાત્રીએ મરાઠી અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારને અકસ્માત નડયો હતો. જેમાં કારની અડફેટમાં આવતા મેટ્રો કામ કરી રહેલ એક કામદારનું મોત થયું હતું. તો અન્ય એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. વધુમાં આ અકસ્માતમાં ઉર્મિલા કોઠારે અને કારના ડ્રાઈવરને પણ ઈજાઓ થઈ હતી.
આ ઘટના કાંદિવલી ઈસ્ટ વિસ્તારમાં બની હતી. જેમાં મરાઠી ફિલ્મના દિગ્ગજ અભિનેતા મહેશ કોઠારેની પુત્રવધુ મરાઠી અભિનેત્રી ઉર્મિલા કોઠારેના કારનો અકસ્માત સર્જાયો હતો. મરાઠી અભિનેત્રી કોઠારેએ મરાઠી ફિલ્મ દુનિયાદારી અને હિન્દી ફિલ્મ થેંક ગોડ સહિતની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ઉર્મિલા કોઠારે તેની ફિલ્મનું શૂટિંગ પુર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. ઘટના મુજબ, ઉર્મિલા કોઠારેની કારે મધ્યરાત્રીએ કાંદિવલી પૂર્વમાં પોઈસર મેટ્રો સ્ટેશન હેઠળ મેટ્રો રેલના કામમાં રોકાયેલા બે મજૂરોને અડફેટે લીધા હતા. જેના કારણે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કામદારનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું.
તો અન્ય એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતમાં એરબેગ યોગ્ય સમયે ખુલ્લી જતા અભિનેત્રીનો આબાદ બચાવ થયો હતો. જો કે, ઉર્મિલા અને તેના ડ્રાઈવરને આ અકસ્માતમાં સામાન્ય ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં ં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
સમતા નગર પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, કારના ડ્રાઈવરે પુરપાટ ચાલતી કાર પરનો કાબુ ગુમાવી બેસતા રસ્તાના કિનારે મેટ્રો રેલનું કામ કરતા કામદારોને ટક્કર મારી હતી. આ મામલે પોલીસે કાર ડ્રાઈવર સામે કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.