Get The App

થાણેમાં રોજનો એક પોક્સો કેસ, સૌથી વધુ કલ્યાણમાં

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
થાણેમાં રોજનો એક પોક્સો કેસ, સૌથી વધુ કલ્યાણમાં 1 - image


૨૦૨૪માં બાળકો સામે અત્યાચારમાં વધારો

ગુનેગારોમાં ઓળખીતાઓનું પ્રમાણ વધુ, નિષ્ણાંતોની પુરાવા એકત્ર કરવાની પદ્ધતિમાં સુધારા કરવાની ભલામણ

મુંબઈ: થાણેમાં વર્તમાન વર્ષ દરમ્યાન ૧૬ ઓગસ્ટ સુધીમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ રોજનો ઓછામાં ઓછો એક કેસ નોંધાતા ચિંતાજનક વલણ જોવા મળી રહ્યું છે. શહેરના પાંચ ઝોનમાં અત્યાર સુધી ૨૩૩ કેસ નોંધાયા છે જેમાંથી ૨૫ ટકા કેસો એકલા કલ્યાણ ઝોનમાં બન્યા છે. પોલીસ વિભાગ પાસેથી મળેલી જાણકારી મુજબ ૧૮૦ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં ઉલ્હાસનગર ઝોન હેઠળના બદલાપુરમાં બે બાળકી પર જાતીય અત્યાચાર થયાની ઘટના બનતા ઉહાપોહ મચ્યો હતો.

પ્રશાસનને આ કેસો સામે અસરકારક કાર્યવાહી કરવામાં નોંધપાત્ર અવરોધો નડયા હતા. મુખ્ય પડકારો તપાસમાં રહેલી ક્ષતિ, સાક્ષીઓ ફરી જવા, ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબ અને ફોરેન્સીક પુરાવામાં ક્ષતિઓ બાબતે હતા. નોંધપાત્ર ઉદાહરણ છે ૨૦૧૩નો કેસ જેમાં પાંચ વર્ષની પીડિતાના માતાપિતા, જેઓ કાનૂની વ્યાવસાયિકો હતા, તેમણે પોતાની બાળકીને વધુ ત્રાસમાંથી મુક્તિ અપાવવા કેસ પાછો ખેંચી લીધો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોટાભાગના આરોપીઓ પીડિતોના જાણીતા હતા, જેમાંથી કેટલાક પડોશીઓ તો કેટલાક સંબંધીઓ હોવાથી વિશ્વાસઘાતને કારણે કેસો જટિલ બને છે. નિષ્ણાતો અને વકીલોએ વધુ મહિલા વકીલો નિયુક્ત કરવાની, પુરાવા એકત્રીકરણમાં સુધારા કરવાની, કાયદાનો અમલ કરનારી એજન્સી અને મેડિકલ વ્યાવસાયિકોને તાલીમ આપવાની અને નાગરીક જાગૃકતા અભિયાન ચલાવવાની ભલામણ કરી છે.

થાણે પોલીસ કમિશનરે પોલીસ કાકા અને પોલીસ દીદી કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સાંકળી લેવાના ચાલી રહેલા પ્રયાસો પર ભાર મુક્યો હતો જેમાં અધિકારીઓ સમસ્યાના સમાધાન માટે સ્કૂલની મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલ વધુ વિસ્તરી છે અને જુલાઈ સુધીમાં ૧,૧૭૫ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. ૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમ્યાન ૧,૫૨૭ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી.


Google NewsGoogle News