સલમાનના ઘરે ગોળીબાર કરનારો એક શૂટર હરિયાણાનો વિશાલ
સીસીટીવીના આધારે એજન્સીઓએ વિશાલને ઓળખી લીધો
કેનેડામાં ફાયરીંગનું કાવતરુ ઘડવામાં આવ્યું હોવાની શંકાઃ વિશાલ લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાનો શૂટર
મુંબઈ : એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરતા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયેલા બે શૂટરમાંથી એક હરિયાણાના ગુરુગ્રામનો વોન્ટેડ ગુંડો વિશાલ રાહુલ ઉર્ફે કાલુ તરીકે ઓળખાયો છે. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાનો શૂટર છે. બીજી તરફ કેનેડામાં ગોળીબારનું કાવતરુ ઘડવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
ફાયરીંગ કરતા સીસીટીવીમાં ઝડપાઈ ગયેલા બે શૂટરમાંથી એક હરિયાણાના ગુરુગ્રામનો વોન્ટેડ ગુંડો વિશાલ રાહુલ ઉર્ફે કાલુ હોવાનું જાણવા મળ્યું છે. તેણે ૧૦મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. હરિયાણામાં અનેક હત્યા અને લૂંટમાં સામેલ હતો. તેની સામે ગુરુગ્રામ અને દિલ્હીમાં અનેક ગુના નોંધાયેલા છે.
લોરેન્સ બિશ્નોઈના કહેવા પર તે રોહતકમાં બુકીની હત્યામાં સામેલ થયો હતો. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં વિશાલ ગોળી ચલાવતો દેખાય છે. ફાયરીંગમાં બુકીની માતાને પણ ગોળી વાગી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ૨૯ ફેબુ્રઆરીએ રોહતકમાં એક ઢાબામાં થયેલી હત્યામાં પણ રાહુલ સંડોવાયેલો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે સોમવારે ગુરુગ્રામમાં વિશાલના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સલમાનના ઘરની બહાર ફાયરીંગ બાદ દિલ્હી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલની ઘણીટીમોએ તપાસ શરૃ કરી દીધી છે. શૂટરનું વિશાલનું કનેકશન બહાર આવ્યા બાદ હરિયાણા પોલીસે પણ વધુ તપાસ આદરી છે.
એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં વિશાલના પરિવારે કહ્યું કે 'લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે તે કેવી રીતે જોડાયો તેની અમને જાણ નથી.
આરોપી વિશાલ રાહુલની બહેને જણાવ્યું હતું 'રોહતકમાં બુકીની હત્યા બાદ વિશાલ ગત ૭ માર્ચથી ગુમ થઈ ગયો હતો. અમે ઘણા સમયથી તેની સાથે વાત નથી કરી.'
અગાઉ અનેક વખત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબારની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સ્વિકારી હતી. ફરાર અનમોલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે 'આ તો માત્ર ટ્રેલર છે, તું અમારી તાકાતની વધારે પરીક્ષા ન લે. આ અમારા તરફથી તને પહેલી અને છેલ્લી ચેતવણી છે. હવે ઘરની બહાર જ ગોળીઓ નહીં છૂટે. તું દાઉદ અને છોટા શકીલને ભગવાન ભલે માનતો હોય. પણ અમે તો આ નામના કૂતરા પાળ્યા છે.
અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ પંજાબી ગાયક સિધ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ફરાર છે. તે બનાવટી પાસપોર્ટના આધારે ભારતની બહાર ભાગી ગયો હતો. પોલીસે કહ્યું છે કે ફેસબુક પેજ પર ગોળીબારની જવાબદારી સ્વિકારવાનું આઈપી એડ્રેસ કેનેડાનું છે. પરંતુ વીપીએનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. આથી દરેક શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે.