નક્સલીઓ દ્વારા પોલીસ ખબરી હોવાની શંકાથી વધુ એકની હત્યા
- એક જ સપ્તાહમાં બીજી વ્યક્તિને મોતને ઘાટ ઉતારી
મુંબઇ : પોલીસનો ખબરી હોવાનો આરોપ કરી નકસલીઓએ ગઢચિરોલીમાં વધુ એક શખસની હત્યા કરી હતી તેવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અહેરી તહેસીલના કાપેવાંચા ગામમાં રહેતા રામજી અત્રામ (૨૭)ની નકસલીઓએ શુક્રવારે રાત્રે ગોળી મારી હત્યા કરી હતી. એક જ અઠવાડિયામાં નકસલીઓએ કરેલી આ હત્યાની બીજી ઘટના હોવાનું પણ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું.
આ હત્યા બાદ નકસલીઓ ઘટના સ્થળે હાથે લખેલી ચીઠ્ઠી છોડી ગયા હતા તેમાં આરોપી કર્યો હતો કે અત્રામ પોલીસનો ખબરી હતો અને તેણે પોલીસને આપેલી અમૂક ગુપ્ત માહિતીને લીધે એક મહિલા નકસલીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું.
નકસલીઓના આ દાવાનો છેડ ઉડાડતા પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે અત્રામ પોલીસનો ખબરી નહોતો. આ સિવાય નકસલીઓ જે એન્કાઉન્ટરની વાત કરે છે તે ૧૪ મહિના પહેલા થયું હતું.
આ પહેલા નકસલીઓ ઇટાપલ્લી તહેસિલના તિટોલા વિલેજમાં ત્રાટક્યા હતા અને ગામના અમૂક સ્થાનિક રહેવાસીઓને માર-મારી 'ગામના પાટિલ' લાલસુ વેલડા (૬૩)ને ગોલી મારી ઠાર કર્યા હતા. આ સમયે નકસલીઓ અહીં એક કાગળ છોડી ગયા હતા જેમાં આ હત્યાની જવાબદારી સ્વીકારી જણાવ્યું હતું કે આ ગામના સ્થાનિકો સુરજાગઢના હેદારીના આયર્ન ઓર પ્રોજેક્ટને સમર્થન આપી રહ્યા છે જેનો તેઓએ વિરોધ કર્યો છે.
નક્સલ હિંસા કાબૂમાં આવી હોવાના દાવાઓ વચ્ચે અચાનક નક્સલીઓ દ્વારા હત્યાના કેસો વધતાં એજન્સીઓની દોડધામ વધી ગઈ છે.