કલ્યાણમાં 10 લાખમાં ઘરની સ્કીમના નામે દોઢ કરોડની છેતરપિંડી
- ભેજાબાજ દંપતી સામે ગુનો દાખલ કરાયો
- નકલી પેમેન્ટ રિસીપ્ટ, રજીસ્ટ્રેશનના દસ્તાવેજ બનાવી ઘર ખરીદવા ઈચ્છતા અનેક ગ્રાહકોને છેતર્યા
મુંબઇ : થાણે જિલ્લાના કલ્યાણમાં ઘર ખરીદનારાઓ સાથે રૂ.૧.૪૮ કરોડની કથિત છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે એક દંપતિ સામે ગુનો નોંધ્યો હતો. છેતરપિંડીનો ભોગ બનેલ એક વ્યક્તિએ આ બાબતે ફરિયાદ કરતા પોલીસે શુક્રવારે આઈપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી) ૪૦૬ (ગુનાહિત વિશ્વાસભંગ) અને અન્ય કલનો હેઠળ સુરેશ પવાર અને તેની પત્ની શીલા સામે ગુનો નોંધ્યો હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ સંદર્ભે વધુ વિગત આપતા આ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે કલ્યાણમાં રહેતા ઉક્ત દંપતિએ કથિત રીતે ઘર ખરીદવા માગતા જરૂરિયાતમંદોને ફક્ત ૧૦ લાખ રૂપિયામાં બીએસયુપી (બેઝિક સર્વિસ ટુ અર્બન પુઅર) સ્કીમ હેઠળ ઘર અપાવી દેવાની લાલચ આપી હતી.
આ માટે આરોપીઓએ બનાવટી દસ્તાવેજો જેમકે પેમેન્ટ રિસીપ્ટ, ફાળવણીના રજીસ્ટર્ડ દસ્તાવેજો આદિનો સમાવેશ થતો હતો. આ રીતે દંપતિએ વિવિધ ઘર ખરીદવા ઈચ્છુક ગ્રાહકો સાથે કથિત રૂ.૧.૪૮ કરોડની છેતરપિંડી આચરી હતી.
આ કેસમાં પોલીસે કોઈ ધરપકડ કરી નથી અને વધુ તપાસ હાથ ધર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.