નવરાત્રી નિમિત્તે મુંબાદેવી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
નવરાત્રી નિમિત્તે મુંબાદેવી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે 1 - image


માડી તારા દર્શનની છે આશ, દેજો દર્શન અમને ખાસ...

તહેવાર દરમ્યાન મંદિર સવારે 5.30 કલાકે મંગલા આરતી સાથે ભાવિકો માટે ખોલવામાં આવશે, 100 સ્વયંસેવકોની ટીમ તૈનાત

મૂંબઈ  :  મુંબઈની ગ્રામમાતા ગણાતી મુંબાદેવી મંદિરમાં દરવર્ષ પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રોત્સવ મોટે પાયે મનાવાશે. આ નિમિત્તે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમ્યાન મંદિર દર્શનાર્થે રોજ પરોઢે ૫.૩૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૦.૩૦ વાગ્યે બંધ કરાશે, એવી માહિતી મુંબાદેવી મંદિર ટ્રસ્ટ વતી આપવામાં આવી છે. 

મુંબાદેવી મંદિરમાં ૧૫ ઑક્ટોબરથી ૨૪ ઑક્ટોબર દરમ્યાન નવરાત્રોત્સવ મનાવાશે. રવિવારે સવારે મંદિર ૫.૩૦ કલાકે મંગલા આરતી સાથે ખૂલશે અને સવારે ૭.૩૦ કલાકે ઘટસ્થાપના કરવામાં આવશે. મંદિરમાં નવેનવ દિવસ પંડિતો દ્વારા સપ્તશતીના પાઠનું પારાયણ થશે. નવમીનો હવન સોમવારે ૨૩મી ઑક્ટોબરના રોજ સવારે ૧૦.૩૦ કલાકે પ્રારંભ થશે અને સાંજે ૪.૩૦ કલાકે પૂર્ણાહૂતિ થશે.

વરિષ્ઠ નાગરિકો, સગર્ભાઓ તથા નાનું હાથઝલું બાળક ધરાવતાં વાલીઓને દર્શન માટે લાઈનમાં ઊભા રહેવું નહિ પડે. તેમને દર્શન માટે પ્રાધાન્ય આપવા સુરક્ષા રક્ષકો તથા સ્વયંસેવકોને મંદિર પ્રશાસને જણાવ્યું છે. ભાવિકોએ મોટી સંખ્યામાં ઉત્સવ દરમ્યાન દર્શનાર્થે આવવું, એવું આવાહન મંદિર પ્રશાસને કર્યું છે.

ભાવિકોની વધતી ભીડને ધ્યાનમાં લઈ મંદિર પ્રશાસને સુરક્ષાત્મક ઉપાયો યોજ્યા છે. મંદિરની બહાર ભાવિકો માટે મોટો મંડપ બનાવાયો છે. મંદિર પરિસરમાં પીવાના પાણીની તેમજ શરબતની પણ વ્યવસ્થા રખાઈ છે. આપાત્કાલીન પરિસ્થિતીને સંભાળવા પાંચ ડૉક્ટરની ટીમ અને એમ્બ્યુલન્સની સુવિધા રખાઈ છે. તેમજ ભીડનું યોગ્ય વ્યવસ્થાપન કરવા ૧૦૦ સ્વયંસેવક આખો દિવસમાં મંદિરમાં સેવામાં હાજર રહેશે. ઉપરાંત પોલીસનો બંદોબસ્ત અને ગેટની બહાર બૅગેજ સ્કેનરની વ્યવસ્થા હશે એ અલગ. આમ, નવરાત્રી માટે મુંબઈનું નામ જેના પરથી પડયું તે મુંબાદેવી ભાવિકોની દર્શન આપવા સંપૂર્ણપણે સજ્જ છે.    



Google NewsGoogle News