સલમાનના સેટ પર હવે તમામ ક્રૂનું પણ પોલીસ દ્વારા ચેકિંગ
સલમાન સજ્જડ પોલીસ પહેરા વચ્ચે શૂટિંગ કરશે
સેટ પર કોઈ વિઝિટર્સને મંજૂરી નહિઃ સલમાનના એપાર્ટમેન્ટ પાસે સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ
મુંબઈ : સલમાન ખાનને સપોર્ટ કરવા બદલ જ બાબા સિદ્દિકીની હત્યા કરવામાઆવી હોવાના લોરેન્સ બિશ્નોઈ ગેંગના દાવા પછી સલમાન ખાનની સિક્યોરિટી અનેકગણી વધારી દેવામાં આવી છે. સલમાન ખાન 'સિકંદર' સહિત તેની ફિલ્મોનાં શૂટિંગ શરુ કરવાનું ચાલુ રાખશે પરંતુ હવે તે સેટ પર સજ્જ પોલીસ પહેરા વચ્ચે જ જશે અને પોલીસ બંદોબસ્ત સાથે જ શૂટિંગ કરશે.
સલમાનની ફિલ્મના સેટ પર પોલીસ મોજુદ જ રહેશે. સેટ પર કોઈ વિઝિટર્સને મંજૂરી નહીં અપાય. એટલું જ નહીં પરંતુ સેટ પર આવનારા અને સલમાનની નિકટ જવાનું બનતું હોય તેવા તમામ ક્રૂ મેમ્બર્સનું પણ પોલીસ વેરિફિકેશન થશે અને સેટ પર આવતાં પહેલાં પોલીસ સૌનું ચેકિંગ પણ કરશે. હથિયારધારી પોલીસના જાપ્તા હેઠળ જ સલમાન ખાન શૂટિંગ કરશે.
સલમાનનો શો 'બિગ બોસ' હાલ ચાલી રહ્યો છે. તેનાં શૂટિંગ વખતે પણ આ તમામ સુરક્ષા પ્રોટોકોલ્સનું પાલન કરવામાં આવશે.
આ ઉપરાંત પોલીસે સલમાન ખાનના ઘર બહાર પણ બંદોબસ્ત વધારી દીધો છે. સલમાનનાં ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ઊભા રહેવાની કે તેના ફોટા પાડવાની કે એપાર્ટમેન્ટના બેકગ્રાઉન્ડમાં સેલ્ફી લેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સલમાનનું ઘર બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડ પાસે શાહરુખ ખાનના બંગલાથી બહુ નજીક જ છે. વીક એન્ડ દરમિયાન બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડ પર ભીડ જામતી હોય છે તેમાંથી સેંકડો લોકો શાહરુખના બંગલા બહાર સેલ્ફી લેતા હોય છે અને વીડિયો ઉતારતા હોય છે. તેમાંથી સલમાનના ચાહકો થોડા અંતરે જ ચાલીને તેના એપાર્ટમેન્ટ બહાર પણ સેલ્ફી લેતા હોય છે. પરંતુ હવે એપાર્ટમેન્ટ આસપાસ પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને ચાહકોને અહીં નહીં રોકાવા જણાવાઈ રહ્યું છે.