Get The App

સૈફ પર હુમલાની ઘટના સસ્પેન્સ થ્રીલર ફિલ્મ જેવી, અનેક સવાલો અનુત્તર

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
સૈફ પર હુમલાની ઘટના સસ્પેન્સ થ્રીલર ફિલ્મ જેવી, અનેક સવાલો અનુત્તર 1 - image


ઘટનામાં ગળે ન ઉતરે તેવું ઘણું છે, સોશિયલ મીડિયામાં હોટ ટોપિક

મુંબઈ -  સૈફ અલી ખાનના ઘરે અજાણ્યો હુમલાખોર અચાનક રાતે અઢી વાગ્યે પ્રવેશ્યો હતો અને તેના સંતાનોને બંધક બનાવી એક કરોડની ખંડણીની માગણી કરવા પ્રયાસ  કર્યો હતો તેવું સૈફ અલી ખાનની મહિલા કર્મચારીએ પોલીસને જણાવ્યું છે. જોકે, સોશિયલ મીડિયા પર લોકો સતત ચર્ચા કરી રહ્યા છે કે  સમગ્ર બનાવ બોલીવૂડની કોઈ સસ્પેન્સ થ્રીલર જેવો છે અને તેમાં હજુ ઘણી એવી બાબતો છે જે સમજાતી નથી. સૈફ પર બહુ ગંભીર હુમલો થયો છે તે ચોક્કસ છે પરંતુ આ હુમલાના સંજોગોમાં કેટલીય બાબતો ગળે ઉતરતી નથી.

ચોર સીડી  દ્વારા ૧૨ માળ ચઢ્યો અને ઉતર્યો, બાથરુમની ડક્ટમાંથી ફલેટમાં ઘૂસ્યો, બિલ્ડિંગમાં એક જ કેમેરામાં ઝડપાયો વગેરે હજમ થતું નથી  

લોકો દ્વારા સોશિયલ મીડિયામાં જાતભાતની ટિપ્પણી થઈ રહી છે. જેમકે, 

બિલ્ડિંગમાં બેરોકટોક પ્રવેશ્યો અને સીડી વાટે ચઢ્યો ઉતર્યો તે શક્ય છે ? 

હુમલાખોર ૧૨મા માળ સુધી સીડી ચઢીને સૈફના ઘરમાં પ્રવેશ્યો હતો અને પછી સીડી ઉતરીને જ ભાગ્યો એ વાત જ હજમ થાય તેવી નથી. આટલે સુધીમાં તો તે ગમે ત્યારે પકડાઈ જાય તેવી સંભાવના હોય છે. એકાદવાર કોઈ ફલેટમાં ઘૂસી ગયા પછી પણ ભાગીને ૧૨ માળ ઉતરવાનું સહેલું હોતું નથી. તેટલા સમયમાં પડોશીઓ, સિક્યોરિટી પર્સન વગેરે એલર્ટ થઈ ચૂક્યા હોવાથી જોખમ રહેતું હોય છે. 

એક જ વાર કેમેરામાં કેમ દેખાયો? 

 મુંબઈના સામાન્ય હાઈરાઈઝ  એપાર્ટમેન્ટસમાં પણ ગેટ, ફોયર, પેસેજ, ફાયર એસ્કેપ તથા દરેક ફલોરના પેસેજમાં પણ સીસીટીવી કેમેરા હોય છે. સૈફ પર હુમલાની ઘટનામાં હુમલાખોર માત્ર છઠ્ઠા માળે જ સીડી ઉતરતો દેખાયો છે. તે સિવાયના કોઈ સીસીટીવી કેમેરામાં તે દેખાયો નથી. શું તેને કેમેરા ક્યાં છે અને તેનાથી છૂપાવીને કેવી રીતે જવાય તેની ખબર હતી ? 

ફલેટમાં પ્રવેશ્યો કેવી રીતે  અને બહાર કેવી રીતે નીકળ્યો ? 

એક દલીલ એવી છે કે તે ૧૨મા માળે પહોંચ્યા પછી દરવાજાનું લોક તોડીને અંદર પ્રવેશ્યો હોઈ શકે છે. એક અટકળ એવી છે કે ફલેટની બાજુમાં બે ફૂટની પહોળી શાફ્ટ હતી જ્યા તે ઉતર્યો હતો અને ત્યાથી બાથરુમની બારી વાટે ૧૧મા માળે  ફલેટમાં પ્રવેશ્યો હતો.  બનાવ અનુસાર હુમલા બાદ સૈફના પરિવાર તથા સ્ટાફે તેને એક રુમમાં  પૂરી દીધો હતો. ત્યાંથી તે બાથરુમની બારી  ખોલી ડક્ટ વાટે ભાગ્યો હોવાનું કહેવાય છે. જોકે, કોઈ સામાન્ય વ્યક્તિના ફલેટમાં પણ આ રીતે ઘૂસવું અને પાછા સહીસલામત ભાગી છૂટવું પહેલી નજરે સરળ જણાતું નથી. 

બિલ્ડિંગની સિક્યુરિટીનું શું ? 

મુંબઈમાં મોટભાગની બિલ્ડિંગમાં ગેટ પર એકથી વધુ વોચમેન હોય છે. આ ઉપરાંત    બિલ્ડિંગના પેસેજમાં તથા પાછળના ભાગે પણ વોચમેન સતત પેટ્રોલિંગ કરતા હોય છે. સૈફ જેવી હસ્તીની બિલ્ડિંગમાં તો બહુ પ્રોફેશનલ અને સક્ષમ સિક્યોરિટી હોવાની સહેજે અપેક્ષા છે. પોલીસના કહેવા અનુસાર બાન્દ્રા જેવા હાઈ પ્રોફાઈલ વિસ્તાર તથા સેલિબ્રિટીઓનાં ફલેટ્સ માટે જોઈએ તેવી સિક્યુરિટી સિસ્ટમ આ બિલ્ડિંગમાં ન હતી. બિલ્ડિંગ બહારના કેટલાક ફેરિયાઓએ પણ સ્વીકાર્યું છે કે તેમને સિક્યુરિટીવાળા ઝાઝાં ચેકિંગ વિના જ અંદર જવા દેતા હતા. જોકે, આ તો દિવસનો સિનારિયો છે. રાતે પણ સિક્યુરિટી આટલી પાંગળી હોય અને સમગ્ર બનાવ અંગે તેમને છેક સુધી ખબર જ ન પડે તે માનવામાં આવતું નથી. 

સૈફને કારમાં કેમ ન લઈ જવાયો ? 

સૈફ પાસે કરોડોની કિંમતની કારોનો કાફલો છતાં પુત્ર ઈબ્રાહિમ તેને રીક્ષામાં કેમ હોસ્પિટલ લઈ ગયો તે વાત કોઈના ગળે ઉતરતી નથી. એક ખુલાસો એવો અપાયો છે કે બનાવ બાદ નાના બાળકો બહુ ગભરાયેલાં હોવાથી કરીનાએ તેમની સાથે રહેવું જરુરી હતું. આથી કરીના હોસ્પિટલ ગઈ ન હતી. જોકે, ઈબ્રાહિમે જાતે કાર કેમ ન ચલાવી કે પછી સ્ટાફમાંથી કોઈએ કાર કેમ ન ચલાવી તે પણ એક સવાલ છે.



Google NewsGoogle News