અંધરીમાં ખાનગી કંપનીના ૩ અધિકારીઓ પર હુમલો
- યુનિયનની તકરાર સહિતનાં કારણોની તપાસ
- અધિકારીઓ હોટલમાંથી જમીને
બહાર નીકળ્યા અને હુમલાખોરો તૂટી પડયા
મુંબઈ : અંધેરીમાં એક પેકેજ્ડ વોટર કંપનીના ત્રણ અધિકારીઓ પર ગુરુવારે એક હોટેલમાં જમ્યા પછી નોકરીનાં સ્થળે પાછા ફરી રહ્યા હતા ત્યારે ચાર અજાણ્યા વ્યક્તિઓએ લોખંડના સળિયા અને પાઈપ વડે અધિકારીઓ પર હુમલો કર્યો હતો.
આ મામલામાં અંધેરી પોલીસે ચાર અજાણ્યા વ્યક્તિ વિરુધ્ધ એફઆઈઆર નોંધી છે અને પોલીસને આ મામલામાં શંકા છે કે હુમલાખોરો યુનિયનના લોકો હોઈ શકે છે છે તેમજ આ હુમલા પાછળનો હેતુ કોઈ આંતરિક બાબત હોઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ એફઆઈઆર મુજબ કહ્યું હતું કે ગુરુવારે બપોરે, કંપનીના એચઆર હેડ સમીર ગાયકવાડ, સીઈઓ એન્જલો જયોર્જ અને માર્કેટિંગ હેડ તુષાર મલ્હોત્રા સાથે લંચ માટે તેમની ઓફિસની નજીકની હોટલમાં ગયા હતા. બપોરે ૨.૫૦ વાગ્યાના સુમારે તેઓ ઓફિસે પરત ફરી રહ્યા હતા અને બસ સ્ટોપ પાસે આવેલી ગ્લેનમાર્ક કંપની પરિસરની ફૂટપાથ પર હતા ત્યારે અચાનક ૨૫થી ૩૦ વર્ષની વયના ચાર અજાણ્યા શખ્સોએ જેમણે મોઢા પર રૃમાલ બાંધ્યા હતા.તેઓએ લોખંડના સળિયા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણેને ગંભીર ઈજા થઈ હતી.
ઘટના બન્યા બાદ, ગાયકવાડે અંધેરી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૬ હેઠળ ચાર વ્યક્તિઓ વિરુધ્ધ કેસ નોંધ્યો છે.