ઓલિમ્પિક મેડલ વિજેતા સ્વપ્નીલ કુસાળેનું પુણેમાં ધામધૂમથી સન્માન
ઢોલ તાશાના નાદથી એરપોર્ટ ગાજ્યું
શૂટરે દગડુ શેઠ હલવાઇ ગણપતી નમંદિરમાં દર્શન કર્યા
પુણે : ઓલિમ્પિક સ્પર્ધામાં કાંસ્ય પદક જીતેલા શૂટર સ્વપ્નીલ કુસાળેનું આજે પુણેમાં આગમન થતા ધામધૂમથી સ્વાગત થયું હતું. સ્વપ્નીલે ૭૨ વર્ષના ગાળા બાદ ઓલિમ્પિક મેડલ મેળવવાનું માન મહારાષ્ટ્રને અપાવ્યું છે.
પેરીસ ઓલિમ્પિકમાં ગયા અઠવાડિયે સ્વપ્નીલે ૫૦ મીટરના રાયફલ શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ૭૨ વર્ષ પહેલા મહારાષ્ટ્રના કુશ્તીબાજ ખાસબા જાધવે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
કોલ્હાપુરવાસી સ્વપ્નીલ આજે સવારે પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચતા તેનાં અસંખ્ય ચાહકોએ ઢોલ- તાશા વગાડીને તેમજ ફૂલહાર પહેરાવીને તેનું સ્વાગત કર્યું હતું. પુણેના વિખ્યાત દગડુ શેઠ હલવાઇ ગણપતિમાં અપાર શ્રદ્ધા ધરાવતા સ્વપ્નીલે દગડુ શેઠ મંદિરે જઇને દર્શન કર્યા હતા. સ્વપ્નીલે શરીર ઉપર દગડુશેઠ હલવાઇ ગણપતીનું ટેટૂ પણ ચિતરાવ્યું છે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી સ્વપ્નીલને એક કરોડનું ઇનામ જાહેર કર્યું છે. જ્યારે અત્યાર સુધી સેન્ટ્રલ રેલવેના પુણે ડિવિઝનમાં ટીટીઇ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામીનર) તરીકે ફરજ બજાવતા સ્વપ્નીલે ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
કુસાળેએ આ અગાઉ ૨૦૨૩માં ચીનમાં આયોજિત એશિયન ગેમ્સમાં, ૨૦૨૨માં બાકુમાં યોજાયેલા વર્લ્ડ કપમાં અને ૨૦૨૧માં નવી દિલ્હીમાં યોજાયેલી રમત- સ્પર્ધામાં સુવર્ણ- ચંદ્રકો જીત્યા હતા.