Get The App

મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજનાનો ચરુ ઉકળ્યોઃ 17 લાખ કર્મચારીઓની 8 નવે.એ કૂચ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજનાનો ચરુ ઉકળ્યોઃ 17 લાખ કર્મચારીઓની 8 નવે.એ કૂચ 1 - image


દરેક જિલ્લા અને તાલુકામાં કર્મચારીઓ પરિવારો સાથે કૂચ યોજશે 

સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી નહીં સંતોષાય તો ડિસેમ્બરમાં બેમુદ્દતી હડતાલની ચિમકી

મુંબઈ :  દેશભરમાં વિપક્ષ શાસિત રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાતો થઈ છે તેવા સમયે ભાજપ-શિવસેના તથા અજિત જૂથની મહાયૂતિ શાસિત મહારાષ્ટ્રમાં પણ જૂની  પેન્શન યોજનાનો ચરુ ઉકળ્યો છે. મહારાષ્ટ્રમાં લગભગ ૧૭ લાખ સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના (ઓપીએસ)ને ફરી શરૃ કરવાની માગણી સાથે  આઠમી નવેમ્બરના રોજ રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં ફેમિલી માર્ચયોજવાનું નક્કી કર્યું છે.

           રાજ્ય સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનોની સંકલન સમિતિના સંયોજક વિશ્વાસ કાટકરે જણાવ્યું હતું કે, 'મારું કુટુંબ, મારું પેન્શન'ના નારા સાથે કાઢવામાં આવનાર કૂચના સહભાગીઓ, તેમની માગણી લઈને જિલ્લા કલેક્ટર અને તહસીલદારની કચેરીઓ પર પહોંચશે. રાજ્યમાં વર્ષ ૨૦૦૫માં જૂની પેન્શન યોજના બંધ કરવામાં  આવી હતી. 

 કટકારે વધુમાં જણાવ્યું હતું કે અમે આઠ નવેમ્બરના રોજ દરેક જીલ્લા અને તાલુકામાં 'ફેમિલી માર્ચ' કાઢવાનું નક્કી કર્યું છે અને ઓપીએસને ફરી શરૃ કરવાની અમારી માગ રજૂ કરીશું. જો કોઈ યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો ૧૪મી ડિસેમ્બરથી અનિશ્ચિત હડતાળ પર ઉતરીશું.  

 નિવૃત્તિ પછી આવકનો ખાતરીપૂર્વકનો અને વિશ્વસનીય ોત પૂરો પાડતી ઓપીએસ માટેની તેમની માગણી પૂરી ન કરવા બદલ કર્મચારીઓ મહારાષ્ટ્ર સરકારથી નિરાશ થયા છે. તેઓ શિક્ષણ ક્ષેત્રના પરોક્ષ ખાનગીકરણને રદ કરવાની અને તમામ ખાલી હોદ્દાઓ ભરવાની માગણી પણ કરી રહ્યા છે. કાટકરે જણાવ્યું હતું કે લગભગ ૧૭ લાખ સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ કૂચમાં ભાગ લેશે.ઓપીએસ હેઠળ, સરકારી કર્મચારીને તેના છેલ્લા પગારના ૫૦ ટકા જેટલું માસિક પેન્શન મળે છે.

નવી પેન્શન યોજના હેઠળ, રાજ્ય સરકારનો કર્મચારી તેના મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના ૧૦ ટકા યોગદાન આપે છે.

ત્યારબાદ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલા ઘણા પેન્શન ફંડમાંથી એકમાં નાણાંનું રોકાણ કરવામાં આવે છે અને વળતર માર્કેટ-લિંક્ડ હોય છે.રાજ્યમાં મરાઠા સમુદાયના સભ્યો આરક્ષણની તેમની માંગ માટે દબાણ કરવા આ યોજનાનો પહેલાથી જ વિરોધ કરી રહ્યા છે.



Google NewsGoogle News