નવી મુંબઈમાં હોસ્પિટલમાં ડોક્ટરે બિલ ભરવા ત્રાસ આપતા યુવકની આત્મહત્યા
પત્નીએ સ્યુસાઈડ નોટમાં ગંભીર આરોપ
હોસ્પિટલમાં પત્નીએ ૧૪ વર્ષે જોડિયા પુત્રને જન્મ આપ્યો હતો
મુંબઇ: નવી મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ જોડિયા પુત્રના સારવારના બિલ માટે ડોક્ટરે માનસિક ત્રાસ આપતા યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતકે સ્યુસાઈડ નોટમાં હોસ્પિટલ અને ડોક્ટર પર ગંભીર આરોપ કર્યો હતો.
નવી મુંબઈના નેરુળમાં નરેન્દ્ર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. લગ્નના ૧૪ વર્ષ બાદ તેની પત્ની સગર્ભા બની હતી. નેરુળની હોસ્પિટલમાં જોડિયા બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ તબિયત સારી ન હોવાથી બાળકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં બિલ પેટે નરેન્દ્રએ અંદાજે રૂ.૪૬ હજાર જમા કર્યા હતા. બિલ વધી રહ્યું હોવાથી તેણે હોસ્પિટલમાંથી પત્નીનો ડિસ્ચાર્જ લઈ લીધો હતો. તેણે ફરી બિલની વધુ રકમ જમા કરી હતી. પરંતુ ડોક્ટરે તેને વારંવાર ફોન કરીને રૂ.દોઢ લાખ ભરવા ત્રાસ આપતા હતા.
બિલ નહીં જમા કરશો તો બાળકોને વ્હેન્ટીલેટર પરથી કાઢવામાં આવશે એવી ધમકી પણ ડોક્ટરે આપી હોવાનું કહેવાય છે.
આર્થિક સ્થિતિ સારી ન હોવાથી નરેન્દ્ર માનસિક રીતે ભાંગી ગયો હતો. તેણે હતાશામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણે સ્યુસાઈડ નોટમાં ડોક્ટર અને હોસ્પિટલને જવાબદાર ઠેરવ્યા હતા. તેમની સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી. પોલીસે મામલાની નોંધ લઈ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ આદરી છે.