64 વર્ષીય વિધવા પર બળાત્કારઃ નિઃવસ્ત્ર હાલતમાં જ રસ્તા પર છોડી ફરાર

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
64 વર્ષીય વિધવા પર બળાત્કારઃ નિઃવસ્ત્ર હાલતમાં જ રસ્તા પર છોડી ફરાર 1 - image


38 વર્ષીય આરોપી ઝડપાયો, જોકે, ગેંગ રેપ હોવાનો મહિલાની પુત્રીનો દાવો

વૃદ્ધાને બાઇક પર લિફ્ટ આપ્યા બાદ ઘરે લઈ જઈ આખી રાત અત્યાચારઃ  ચહેરા, માથા, છાતી, પ્રાઇવેટ પાર્ટ પર ગંભીર ઇજા

મુંબઇ :  માનખુર્દમાં રહેતા ૩૮ વર્ષીય યુવકે ઘરે છોડવા માટે બાઇક પર લિફ્ટ આપવાને બહાને ૬૪ વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ નરાધમે વૃદ્ધાની મારપીટ કરી લાકડાથી હુમલો કરતા તેમના માથા, છાતી, ચહેરા, પ્રાઇવેટ પાર્ટ પર ગંભીર ઇજા થઇ હતી. આટલું જ નહીં આરોપી યુવક આ વિધવાને નગ્ન અવસ્થામાં રસ્તા પર છોડીને  નાસી ગયો હતો. પોલીસે બનાવની  જાણ થયા બાદ તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી યુવકને ઝડપી લીધો હતો. જોકે, આ વૃદ્ધાની પુત્રીના જણાવ્યા અનુસાર મહિલા પર ત્રણ લોકોએ ગેંગરેપ ગુજાર્યો છે. 

માનખુર્દમાં શાંતિનગરમાં રહેતા ઉમેશ ઢોક (ઉ.વ.૩૮)ને પકડીને પોલીસ આ ગુનામાં અન્ય કોઇ વ્યક્તિ સામેલ છે કે કેમ એની તપાસ કરી રહી હોવાનું કહેવાય છે.

આરોપીએ તેના ગુનાની કબૂલાત કરી છે તેની સામે ૩૭૬, ૩૭૬(૨) (એન), ૩૨૫, ૩૨૩, ૫૦૪ અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસ મુજબ વૃદ્ધા સોમવારે  સાંજે નેહરુ નગરના એક મંદિરમાં દર્શન કરવા ગયા હતા પછી ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી ઉમેશ તેમને ઘરે છોડવાને બહાને બાઇક પર લિફ્ટ આપી હતી. બાદમાં તે પીડિતાને માનખુર્દમાં પોતાના ઘરે લઇ ગયો હતો જ્યાં સોમવારે આખી  રાત તેણ વૃધ્ધા પર અત્યાચાર ગુજાર્યો હતો. દરમિયાન તેણે વારેવાર આ સિનિયર સિટીઝનની મારપીટ કરી હતી. આ ઉપરાંત લાકડીથી હુમલો કર્યો હતો. જેના કારણે તેમને ચહેરા, હાથ, માથા, છાતી, પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ થઇ હતી. વૃદ્ધાને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેંકીને તે ભાગી ગયો હોવાનું કહેવાય છે.

પીડિતાની પુત્રીએ કહ્યું હતું કે થોડા સમય પછી એક સ્થાનિક મહિલાએ તેની માતાને કપડા પહેર્યા વિના પડેલા જોયા હતા તેણે માતાને કપડા પહેરાવ્યા હતા. અને ટ્રોમ્બે પોલીસને બનાવની જાણ કરી હતી. પછી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

પીડિતાને ઘાટકોપરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે વૃદ્ધાને ફોન મેળવીને તેમની પુત્રીનો સંપર્ક કર્યો હતો.

પુત્રીએ દાવો કર્યો હતો કે ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિ આ  ગુનામાં સામેલ હતા. જોકે પોલીસે આ કેસમાં આવો કોઇ સંદર્ભ આપ્યો નથી.

પીડિત વિધવા તેમની પુત્રી અને પૌત્રી સાથે રહે છે. તેઓ સ્થાનિક બજારોમાં માછલી અને ઝાડુ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પોલીસે  કેસ નોંધી ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી હતી.



Google NewsGoogle News