જળગાંવમાં 6 વર્ષની બાળકી પર રેપ અને હત્યાઃ ટોળાંએ પોલીસ મથકે આગ ચાંપી

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
જળગાંવમાં 6 વર્ષની બાળકી પર રેપ   અને હત્યાઃ ટોળાંએ પોલીસ મથકે આગ ચાંપી 1 - image


આરોપીને સોંપી દેવાની માંગ સાથે ટોળાં દ્વારા તોડફોડ

પોલીસે આરોપીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધાનું જણાતાં ટોળું ઉશ્કેરાયું : ભારે પથ્થરમારામાં  14 જવાન ઘાયલ, લાઠીચાર્જ અને હવામાં ગોળીબારની ચર્ચા

મુંબઇ :  મહારાષ્ટ્રના જળગાવના જામતેરમાં છ વર્ષીય માસૂમ બાળકીની બળાત્કાર ગુજારી હત્યા કરનારા આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીને તાબામાં સોંપી દેવાની માગણી સાથે ઉશ્કેરાયેલા સેંકડો લોકોએ પોલીસ સ્ટેશનમાં ધસી જઇ તોડફોડ, પથ્થરમારો અને આગ લગાડી હતી. 

પથ્થરમારામાં ૧૪ પોલીસને ઇજા થઇ હતી. લોકોએ આંદોલન કરતા પરિસ્થિતિ તનાવપૂર્ણ બની જતા પોલીસને લાઠીચાર્જ અને હવામાં ગોળીબાર કરવો પડયો હોવાનું કહેવાય છે. અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શંકાસ્પદ દસેક જણને પકડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત પોલીસોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જાંમનેર તાલુકાના ચિંચખેડા ખાતે ૧૧ જૂનના રાતે છ વર્ષની બાળકીનું અપહરણ કરી જાતીય શોષણ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. આરોપી નાસી ગયો હતો. જામનેર પોલીસે કેસ દાખલ કરી વધુ  તપાસ આદરી હતી. ભુસાવળમાં તાપી નદી પરિસરમાંથી ગઇ કાલે આરોપી યુવકને પોલીસે ઝડપી લીધો હતો. તેની ધરપકડની માહિતી મળતા મૃતક બાળકીના પરિવારજનના સભ્યો, સંબંધીઓ અને સ્થાનિક લોકો ગઇકાલે રાતે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા. તેમણે આરોપીને પોતાના તાબામાં સોંપી દેવાની માગણી કરી હતી. તેઓ આરોપીને સજા આપવામાં માગતા હતા.

લોકોએ પોલીસ સ્ટેશનની બહાર આંદોલન શરૃ કર્યું હતું. દરમિયાન પોલીસે આરોપી યુવકને સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધો હોવાની તેમને જાણ થઇ હતી. આથી ભીડ ગુસ્સે થઇ ગઇ હતી. તેમણે પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, તોડફોડ, આગ લગાડવા લાગ્યા હતા. 

અમૂક લોકોએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. પથ્થરમારામાં એક ઇન્સ્પેક્ટર સહિત ઓછામાં ઓછા ૧૪ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. પોલીસે ભીડને વિખેરવા બળનો ઉપયોગ કર્યો હતો. સિનિયર  પોલીસ અધિકારીઓને બનાવની જાણ થતા તેઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. દંગલ નિયંત્રણ ટુકડી પણ પહોંચી ગઇ હતી.

પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો છેવટે તેમણે પોલીસની વાત કાને ન ધરતા હળવો લાઠીચાર્જ અને હવામાં ગોળીબાર કરવો પડયો હોવાનું કહેવાય છે.  અહીં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્ યો હતો. જખમી ૧૪ પોલીસની તબીયત સુધારા પર છે. પોલીસે કેસ નોંધી હુમલો કરનારા દસેક જણને તાબામાં લઇ વધુ તપાસ આદરી છે.



Google NewsGoogle News