102 મિલ્કતોના મેપ સાથે ચેડાં કરી સીઆરઝેડમાં કાયદેસર કરવાનું કૌભાંડ
હાઈકોર્ટના આદેશથી રચાયેલી સીટનો પર્દાફાશ, 4ની ધરપકડ
મલાડ, માર્વે, વર્સોવા સહિતના દરિયાકિનારાની પ્રોપર્ટીઓમાં સીઆરઝેડના નિયમો ન નડે તે માટે સિટી સર્વે નંબરો, સીમાઓ બદલી નખાયાં
800થી વધુ મિલ્કતોના નકશા બદલી નખાયા હોવાનો મૂળ આરોપ : મઢમાં સૌથી વધુ ગેરરીતી : સરકારી અધિકારીઓ સાથે એસ્ટેટ એજન્ટો, કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ
મુંબઇ : મુંબઇની કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) અને નો ડેવલપમેન્ટ ઝોન (એનડીઝેડ)માં આવેલી જમીનોને વિકાસ યોગ્ય હોવાનું પુરવાર કરવા માટે મિલકતના રેકોર્ડમાં મોટા પાયે ચેંડા કરીને આચરવામાં આવેલા મસમોટા કૌભાંડનો તાજેતરમાં પર્દાફાશ થયો હતો. બોમ્બે હાઇકોર્ટના આદેશ બાદ રચાયેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ આ બાબતે ઊંડી તપાસ હાથ ધરી આ સમગ્ર કૌભાંડ ઉજાગર કર્યું હતું. આ કૌભાંડ બાબતે બે સરકારી કર્મચારી સહિત કુલ ચાર જણની ધરપકડ કરવામાં આવી છે.
આ સંદર્ભે એક અધિકારીના જણાવ્યાનુસાર તપાસમાં એવુ બહાર આવ્યું હતું કે કેટલાક એસ્ટેટ એજન્ટો, રાજ્ય સરકાર અને પાલિકાના અધિકારીઓ અને અમૂક કોન્ટ્રાક્ટરોએ મલાડ, માર્વે, વર્સોવા અને મુંબઇના દરિયાકિનારે આવેલ અન્ય સ્થળોના પ્લોટને કન્વર્ટ કરવામાં સામેલ હતા. આ બાબતે એવું પ્રકાશમાં આવ્યું હતું કે લગભગ ૧૦૨ જેટલી મિલકતના નકશા સાથે ચેડાં કરવામાં આવ્યા હતા જેમાં સિટી સર્વે નંબર અને બદલાયેલી સીમાઓ સામેલ છે. સીટે આ કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે પાલિકા અને સરકારના મહેસૂલ વિભાગના મળી કુલ ૧૮ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે.
આ સંબંધમાં સૌ પ્રથમ મલાડના એરંગલ વિસ્તારના એક સ્થાનિક ખેડૂત વૈભવ મોહન ઠાકુરે જેઓ અહીં પૈતૃક ખેતીની જમીન ધરાવે છે તેમણે ૨૦૨૧માં તેના પ્લોટ પર ગેરકાયદે બાંધકામ બાબતે ૨૦૨૧માં ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઠાકુરે ત્યારે નોંધ્યું હતું કે અહીંના અમૂક સીઆરઝેડ તેમજ એનડીઝેડ પ્લોટને વિકાસયોગ્ય ઝોન તરીકે વર્ગીકૃત કરવા માટે સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા અને બનાવટી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે ઠાકુરની ફરિયાદ બાદ પણ પાલિકા અને ગોરેગાવ પોલીસના અધિકારીઓ આ બાબતે વધુ તપાસ કરવામાં નિષ્ફળ નિવડયા હતા.
ત્યારબાદ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ નીતિન સાળુંખેએ ૨૦૨૧માં બીજી એફઆઇઆર નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇકો- સેન્ટિટીવ ઝોનમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ૨૦૧૨ અને ૨૦૨૦ વચ્ચે નકશાઓ સાથે ચેડાં કરવાની સાથે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા.
૨૦૨૨માં વિધાનસભામાં આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. આ ઉપરાંત આ સંબંધે વૈભવ ઠાકુરે બોમ્બે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી જેમા દાવો કરવામાં આળ્યો હતો કે પોલીસે ૨૦૨૧માં ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદની તપાસ કરી નથી. હાઇકોર્ટે ઓક્ટોબર ૨૦૨૪માં આરોપોને ગંભીર ગણાવી પોલીસની આ કેસ પરત્વે ઉદાસીનતાની ગંભીર નોંધ લઇ આ કેસની તપાસ માટે સીટની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ઠાકુરે તેની અરજીમાં આરોપ કર્યો હતો કે ૮૮૪ નકશાઓ બનાવટી છે અને કેટલાક ઘરો/ બંગલાઓ ૧૯૬૪ પહેલા બાંધવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં એવો દાવો પણ કર્યો હતો કે મઢ ટાપુ પરના બાંધકામને લગતા મોટાભાગના નકશાઓને સીઆરઝેડ હેઠળ મુક્તિ મેળવવા ૧૯૬૪ પહેલાના હોવાનું દર્શાવવા છેડાછાડ કરવામાં આવી હતી. હાઇકોર્ટ આ બાબતે બીએમસી, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ઓથોરિટી સહિત તમામ રેવેન્યુ ઓથોરિટી અને અન્ય એજન્સીઓને આ બાબતની તપાસમાં સીટને તમામ માહિતી આપવાનો નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે આ બાબતે ફેબુ્રઆરીમાં અરજી પર સુનાવણી કરશે.