મુંબઈમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસની સંખ્યામાં 9ગણો વધારો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસની સંખ્યામાં 9ગણો વધારો 1 - image


નશેડી ડ્રાઈવરોને ઝડપવા માટે પોલીસની સરપ્રાઈઝ નાકાબંધી

સહાર, સાકીનાકા, ડીએનનગર, સાંતાક્રુઝ, ઓશિવારા, મુલુંડ, અંધેરી પૂર્વ, વાકોલા,દહિસરમાં બાર વધારે હોવાથી ત્યાં વધુ નશેડી ચાલકો ઝડપાયા

મુંબઇ :  મુંબઈમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસની સંખ્યા નવગણાથી વધુ થઈ છે. વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરીથી જુલાઈ સમયગાળામાં શરાબના નશાની અસર હેઠળ ૪૪૭ વ્યક્તિ ઝડપાયા હતા જે સંખ્યા વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં વધીને ૪૧૯૬ થઈ છે. સહાર, સાકીનાકા, ડીએનનગર, સાંતાક્રુઝ, નાગપાડા, ટ્રોમ્બે (માનખુર્દ પાસે), ઓશિવારા, મુલુંડ, એમઆઇડીસી (અંધેરી), વાકોલા, દહિસર અને ઘાટકોપરમાં 'ડ્રન્ક એન્ડ ડ્રાઇવ'ના હોસ્પિટલની સંખ્યા વધુ છે. આ વિસ્તારોમાં બાર એન્ડ રેસ્ટોરાની સંખ્યા વધુ છે. મરીન ડ્રાઇવ, પાયધૂની, કાંજુરમાર્ગ, ધારાવી, પવઈ, વડાલા, માહિમ, માટુંગા અને કોલાબામાં આવા કેસની સંખ્યા ઓછી છે. 

શહેરમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસની સંખ્યામાં ધૂમ વધારો થતા ટ્રાફિક પોલીસ દ્વારા સંખ્યાબંધ રોડ અને ચાર રસ્તાઓ પર નાકાબંધી હાથ ધરવામાં આવે છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે 'વર્ષ ૨૦૨૩ની ૩૧ ડિસેમ્બરની પૂર્વ સંધ્યાથી નાકાબંધીની સંખ્યામાં વધારો થયો છે. શરાબના નશામાં વાહન ચલાવતા લોકો દ્વારા વધુ અકસ્માત નહીં થાય તેની અમે તકેદારી રાખીએ છે.

પુણે પોર્શકેસ, વરલી હિટ એન્ડ રન કેસ અને તે પછી વિરારમાં થયેલા હિટ એન્ડ રન કેસ જેવી ઘટના નિવારવા ટ્રાફિક પોલીસ ઘોંસ વધારી રહી છે. નાકાબંધીમાં પકડાવાથી બચવા ઘણા વાહનચાલકો ગલીઓમાંથી પ્રવાસ કરી પોલીસની નાકાબંધીથી બચવાના પ્રયત્નો કરતા હોય છે, તેવું એક અધિકારીએ કહ્યું હતું. આવા 'ઓવરસ્માર્ટ' વાહનચાલકોને ઝડપી પાડવ પોલીસ 'સરપ્રાઇઝ નાકાબંધી' અભિયાનો હાથ ધરતી હોય છે. તેવું તેમણે કહ્યું હતું.

૨૦૨૪ના જાન્યુઆરીથી ૨૦મી જૂન સુધીના સમયગાળામાં આઇપીસીની ધારાઓ હેઠળ ૨૩ એફઆઇઆર અને સ્થાનિક કાયદાઓ હેઠળ ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ૩૭૦૦થી વધુ કેસ કર્યા હતા. રૃ. ૧.૭૦ કરોડનો દંડ કર્યો હતો. ૨૦૨૩ સમગ્ર વર્ષ દરમિયાન આઇપીસી એફઆઇઆર ફક્ત ત્રણ અને સ્થાનિક કાયદાઓ હેઠળ ૨૮૮૩ કેસ કર્યા હતા. પુણે પોર્શ કેસ પછી મુંબઈ ટ્રાફિક પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવ સામેની ઝુંબેશ કડક બનાવી હતી. વર્ષ ૨૦૨૨માં ડ્રન્ક ડ્રાઇવિંગથી ૧૨૬ 'ફેટલ ક્રેશ' પછી ટ્રાફિક વિભાગની એનેલિસિસ વિંગનો અધિકારી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને બીએમસીના અથવા સંબંધિત રોડ કન્સ્ટ્રક્શન એજન્સીના અધિકારી સાથે ઘટના સ્થળની મુલાકાત લેતા હોય છે. અહીંના સ્થળનું વિગતવાર ઇન્સ્પેક્શન કરી અકસ્માતના કારણનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

શરાબના નશામાં પકડાયેલા વાહનચાલકનો ગુનો સાબિત થાય તો તેને મોટર વેહિકલ્સ એક્ટ હેઠળ છ મહિના સુધીની જેલની સજા અને / અથવા રૃ. ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવે છે. આ ગુનામાં બીજી વાર ઝડપાતા વાહનચાલકને બે વર્ષ સુધીની જેલની સજા અને રૃ. ૧૫,૦૦૦નો દંડ કરવામાં આવે છે. 

પુણે શહેરમાં વર્ષ ૨૦૨૨માં ૬૧૦ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યો હતો.



Google NewsGoogle News