એનટીએની યુજીસી 'નેટ' પરીક્ષાનું પરિણામ જાહેર
1.12 લાખ વિદ્યાર્થીઓ પીએચડી માટે પાત્ર
53 હજાર ઉમેદવારો આસિસ્ટંટ પ્રોફેસર બનવાના સ્વપ્નની નજીક પહોંચ્યા
મુંબઈ : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) વતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ) પરીક્ષા લેવામાં આવે છે. સમગ્ર દેશભરમાં ડિગ્રી મહાવિદ્યાલયમાં શિક્ષક બનવા માટે આ પરીક્ષા પાસ થવી જરુરી હોય છે. આ પરીક્ષા ૨૧ ઑગસ્ટથી પાંચમી સપ્ટેમ્બર સુધી લેવાઈ હતી. જેનું પરિણામ ૧૭ ઑક્ટોબરના રોજ જાહેર કરાયું છે.
આ પરીક્ષા માટે ૧૧ લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હતું. જેમાંના ૬.૮૪ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પાસ થયેલાં વિદ્યાર્થીઓ દેશભરની કોઈપણ યુનિવર્સિટી હેઠળ પીએચડી કરી શકશે. નેટની પરીક્ષા દેશભરના ૨૮૦ શહેરમાં ૧૧ દિવસ દરમ્યાન ઓનલાઈન સીબીટી પદ્ધતિથી લેવાઈ હતી.
કુલ પાસ વિદ્યાર્થીઓમાંથી ૪૯૭૦ વિદ્યાર્થીઓ જૂનિયર રીસર્ચ ફેલોશીપ માટે પાત્ર ઠર્યા છે તો ૫૩,૬૯૪ વિદ્યાર્થીઓ આસિસ્ટંટ પ્રોફેસર પદ માટે પાત્ર બન્યાં છે. ૧,૧૨,૦૭૦ વિદ્યાર્થીઓ પીએચડી માટે પાત્ર ઠર્યા છે. એનટીએની વેબસાઈટ પર આ પરિણામ જાહેર કરાયું છે.