એનએસઈના એમડીનો એઆઈ જનરેટેડ વિડિયો હટાવવા મેટા, વોટ્સએપને આદેશ
એનએસઈ ટ્રેડમાર્કના દુરુપયોગની અરજીમાં વચગાળાની અરજી માન્ય
ફેક વિડિયોમાં રોકાણકારોને ટિપ્સ માટે વોટ્સએપ ગ્રપમા જોડાવાની અપીલ કરી ગેરમાર્ગે દોરાયાની ફરિયાદ
મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)ના એમડી અને સીઈઓના આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) જનરેટેડ વિડિયો દૂર કરવા બોમ્બે હાઈ કોર્ટે મેટા અને વોટ્સ એપ સહિતના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને આદેશ આપ્યો છે. વિડિયોમાં આશિષકુમાર ચૌહાણને સામાન્ય રોકાણકારોને સ્ટોપ પસંદ કરવાની ટિપ્સ મેળવવા વોટ્સ એપ ગુ્રપમાં જોડાવવાની વિનંતી કરતા દર્શાવાયા હતા.
એનએસઈની વચગાળાની અરજીને ન્યા. છાગલાએ માન્ય કરી હતી. સોશ્યલ મીડિયા પર ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોમાં એનએસઈનો ટ્રેડમાર્ક બતાવીને થતા દુરુયોગ સંબંધી કેસમાં આ અરજી કરવામાં આવી હતી.
એનએસઈએ દલીલ કરી હતી કે સતત આવા ખોટા વિડિયોથી રોકાણકારો પર વિનાશક અસર થશે અને આર્થિક નુકસાન થઈ શકે છે. એનએસઈની પ્રતિષ્ઠાને પણ હાનિ કરી શકે છે.
કોર્ટે સોશ્યલ મીડિયા ઈન્ટરમીડિયરીઝને આવા વિડિયો તેમના પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો નિર્દેશ આપીને વિડિયો અફલોડ કરનારાની વિગત આપવા પણ જણાવ્યું છે. અજાણ્યા લોકોને એનએસઈનો ટ્રેડમાર્ક વાપરવાથી દૂર રહેવા અને ખોટો અને ગેરમાર્ગે દોરતા વિડિયો બનાવવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે.