હવે ધો. 11, 12માં અંગ્રેજી ભાષા ફરજિયાત નહીં રહે
એનઈપી અંતર્ગત અભ્યાસક્રમમાં સુધારો થશે
વિદ્યાર્થીએ 1 ભારતીય ભાષા અને અન્ય વિષય તરીકે ભારતીય કે વિદેશી ભાષા ભણવી પડશે
મુંબઇ, : વિશ્વના અનેક દેશોમાં જ્યાં વ્યવહારની ભાષા અંગ્રેજી છે અને મુંબઈ તથા રાજ્યમાં પણ અંગ્રેજીનો ભાર વધી રહ્યો છે, ત્યારે અભ્યાસક્રમમાંથી હવે આ ભાષાનું બંધન હળવું કરાઈ રહ્યું છે. અત્યારે ધો.૧થી ૧૨ સુધી અંગ્રેજીનું શિક્ષણ ફરજિયાત છે. પરંતુ હવે ધો.૧૧-૧૨માં અંગ્રેજી વિષય ફરજિયાત રહેશે નહીં, એવું રાજ્યના નવા અભ્યાસક્રમની રુપરેખા દ્વારા સમજાયું છે. જોકે ધો.૧૦ સુધી અંગ્રેજી ભાષાનું સ્વરુપ કેવું હશે તે બાબતે હજી કોઈ નિશ્ચિતતા નથી.
નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી) ૨૦૨૦ના અનુસંધાને રાજ્યના અભ્યાસક્રમની રુપરેખા તૈયાર કરાઈ છે. તેના પર ગુરુવારથી ત્રીજી જૂન સુધી વાલીઓ-શિક્ષકો-વિદ્યાર્થીઓના આક્ષેપો તથા સુઝાવો પણ માગવામાં આવ્યાં છે. નવી રુપરેખામાં માતૃભાષા અને ભારતીય ભાષાઓને મહત્ત્વનું સ્થાન અપાયું છે. સાથે જ વિદેશી ભાષાઓનો વિકલ્પ પણ વિદ્યાર્થીઓને માટે ઉપલબ્ધ રહેશે.
નવી રુપરેખામાં જૂનિયર કૉલેજમાં વિદ્યાર્થી એ બે ભાષા ભણવી જરુરી રહેશે. તેમાંથી એક ભારતીય ભાષા અને અન્ય ભારતીય અથવા વિદેશી ભાષા વિદ્યાર્થી ભણી શકશે. ધો.૧૧, ૧૨માં અત્યારનું રહેલું અંગ્રેજી ભાષાનું બંધન કાઢી નાંખવામાં આવ્યું છે. અંગ્રેજી ભાષા ફરજિયાત નહીં હોય એવું સ્પષ્ટ જણાવાયું છે.
વિદ્યાર્થીઓને ભારતીય ભાષામાં મરાઠી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, કન્નડ, ઉર્દૂ, તામિલ, તેલુગુ, મલ્યાલમ, સિંધી, બંગાલી, પંજાબી, પાલી, અર્ધમાગધી, પ્રાકૃત, અવેસ્તા પહલવી ભાષાના પર્યાય રહેશે. વિદેશી ભાષામાં અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, રશિયન, જાપાની, સ્પેનિશ, ચાઈનીઝ, પર્શિયન, અરેબિક ભાષાના પર્યાય રહેશે.