હવે મહારાષ્ટ્રમાં નર્સ સાથે ઓટો ડ્રાઈવરે આચર્યું દુષ્કર્મ, રસ્તા પર ઉતરેલા લોકોએ ફાંસીની કરી માગ
Maharashtra Rape Case: કોલકાતામાં ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યા અને બદલાપુરમાં બાળકો સાથે યૌન શોષણની ઘટના બાદ સમગ્ર દેશ રોષે ભરાયો છે. આ બંને મામલે હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી સુનાવણી ચાલી રહી છે આ વચ્ચે હવે મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક નર્સ સાથે રેપનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી મહારાષ્ટ્રના લોકોમાં રોષ વ્યાપ્ત છે. તેના વિરોધમાં મોટી સંખ્યામાં નર્સો રસ્તા પર ઉતરી આવી છે અને આરોપીને ફાંસી આપવાની માગ કરી રહી છે. નર્સિંગની ટ્રેનિંગ લેનારી 19 વર્ષની વિદ્યાર્થીએ ઘરે જવા માટે એક ઓટો બુક કરાવ્યો હતો. આ ઓટો ડ્રાઈવરે જ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પ્રાથમિક તપાસ પ્રમાણે ઓટો ડ્રાઈવરે નર્સને પાણીની ઓફર કરી હતી. વિદ્યાર્થીનીએ પાણી પીધું ત્યારબાદ તે બેભાન થઈ ગઈ. તેનું કારણ એ હતું કે, આ પાણીમાં કોઈક નશીલો પદાર્થ ભેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓટો ડ્રાઈવર વિદ્યાર્થીનીને એકાંત સ્થળ પર લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મમાં આચર્યું. હોશમાં આવ્યા બાદ પીડિતાએ પોતાના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી અને પોલીસમાં કેસ નોંધાવ્યો. હાલમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને આ દરમિયાન તેમને એક CCTV ફૂટેજ પણ હાથ લાગ્યો છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીની ઓટોમાં બેસીને જઈ રહી હતી. તેના કારણે ઓટો ડ્રાઈવર પકડમાં આવે તેવી આશા છે.
હાલમાં પીડિતાની એક સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ લોકોમાં ભારે રોષ છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસે આ મામલે ઝડપથી કાર્યવાહી કરવાની વાત કહી છે. વહીવટી તંત્રના સમજાવ્યા બાદ લોકો રસ્તા પરથી ખસ્યા હતા. રત્નાગીરીની આ ઘટનાએ મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારી દીધી છે જે પહેલાથી જ બદલાપુરની ઘટનાને લઈને બેકફૂટ પર છે. તમને જણાવી દઈએ કે બદલાપુરમાં માત્ર ત્રણ વર્ષની બે બાળકીઓ સાથે તેની જ સ્કૂલમાં સ્વીપરે યોન શોષણ કર્યું હતું.