હવે આયુર્વેદ-બાયોલોજી વિષયમાં પણ 'નેટ' લેવાશે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો નિર્ણય
ડિસેમ્બરમાં થનારી પરીક્ષામાં ઉક્ત વિષય ઉમેરાશે; રીસર્ચને પ્રોત્સાહન મળશે
મુંબઈ : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (યુજીસી) હવે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ)માં આયુર્વેદ-બાયોલોજી વિષયનો પણ સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા લેવામાં આવનારી નેટ પરીક્ષા સંદર્ભે આ નિર્ણય લેવાતાં ડિસેમ્બર મહિને થનારી નેટ પરીક્ષામાં આ વિષયનો સમાવેશ કરાશે.
યુનિવર્સિટી અને સરકારી કૉલેજોમાં પ્રોફેસર તરીકે જોડાવા માટે ફરજિયાત ગણાતી નેટ પરીક્ષા દરવર્ષે ડિસેમ્બર અને જૂન મહિને એમ વર્ષમાં બેવાર યોજાય છે. આ પરીક્ષા વિવિધ વિષયો માટે લેવાય છે. ઉમેદવાર તેના વિષયની પરીક્ષા પાસ કરી પ્રાધ્યાપક તરીકે નોકરી કરવા માટે પાત્ર ઠરે છે.
ખાનગી કૉલેજોના પ્રાધ્યાપકોને નેટ પાસ કરવી ફરજિયાત ન હોય તોય નેટ પાસ ઉમેદવારને પ્રાધાન્ય અપાય છે. આથી હવે ઉચ્ચ શિક્ષણમાં પારંપારિત ભારતીય જ્ઞાાનનો સમાવેશ કરવાના વિચાર સાથે યુજીસીએ આયુર્વેદ બાયોલોજી વિષય નેટ પરીક્ષામાં ઉમેરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયને કારણે આયુર્વેદ અને સંબંધિત વિષયનો અભ્યાસ કરવા અને તે વિષયમાં સંશોધન કરવાને પ્રોત્સાહન મળશે.ડિસેમ્બર મહિને થનારી નેટ પરીક્ષામાં આ વિષય સમાવિષ્ટ કરવામાં આવવાનો હોવાથી આ વિષયના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી પ્રાધ્યાપક કે જૂનિયર રીસર્ચ ફેલોશિપ માટે પાત્ર ઠરી શકશે, એવું પણ કમિશને જણાવ્યું છે.