Get The App

એનસીપીના ધારાસભ્યોની અપાત્રતા મુદ્દે ફેંસલા માટે હવે 15મી ફેબ્રુ. સુધીની મુદ્દત

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
એનસીપીના ધારાસભ્યોની અપાત્રતા મુદ્દે ફેંસલા માટે હવે 15મી ફેબ્રુ. સુધીની મુદ્દત 1 - image


31 જાન્યુ. છેલ્લી તારીખ હતી, સુપ્રીમ કોર્ટે મુદ્દત વધારી આપી 

સાક્ષીઓની ઉલટતપાસ સમયસર ન થઈ, હવે ફેંસલો લખવાનો જ બાકી હોવાની સ્પીકરની દલીલ સુપ્રીમ કોર્ટે સ્વીકારી

મુંબઈ :  એનસીપી (અજિત પવાર જૂથ)ના વિધાનસભ્યોને અયોગ્ય ઠેરવવાની એનસીપી (શરદ પવાર જૂથ)ની અરજી અંગે નિર્ણય કરવા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને  મુદ્દત તા. ૧૫મી ફેબુ્રઆરી સુધી વધારી આપી છે.  અગાઉ આ મુદ્દત તા.૩૧મી જાન્યુઆરીએ પૂર્ણ થતી હતી.  મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે વિધાનસભ્યોને અયોગ્ય ઠેરવવાની અરજી પર ઓર્ડર આપવા વધુ સમયની માગણી કરી હતી. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટની જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સમયસર ઉલટતપાસ ન થઈ હોવાથી મુદ્દત વધારવાની જરુર છે તેવી સ્પીકરની દલીલ સ્વીકારી હતી.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આદેશમાં કહ્યું કે 'તેમના (સ્પીકર)ના પચ્ચીસમી જાન્યુઆરીના ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિવાદીઓ (એનસીપીના જૂથ) માટેના સાક્ષીઓની ક્રોસ-એક્ઝામિનેશન પૂરી થઈ નથી અને પક્ષકારોની સંમતિથી નીચે જણાવેલું સમયપત્રક જણાવવામાં આવે છે અને ૩૧મી જાન્યુઆરીએ આ કેસ પૂરો થશે અને પછી ઓર્ડર બાકી રહેશે.' બેન્ચે પોતાના ઓર્ડરમાં કહ્યું કે (સ્પીકર દ્વારા) ઓર્ડરનું ડિક્ટેશન પૂરું કરવા ે ૧૫ ફેબુ્રઆરી, ૨૦૨૪ સુધીનો સમય આપીએ છે.'

અયોગ્યતા અરજીઓ પર ઓર્ડર પસાર કરાવવા વધુ સમયની આવશ્યકતા છે તેવી રજૂઆત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પીકરની ઓફિસ વતી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ સ્પીકર શિવસેનાના બંને જૂથોના ધારાસભ્યોને અપાત્ર ઠેરવવા મુદ્દે થયેલી અરજીઓની સુનાવણીમાં વ્યસ્ત હતા. આથી, એનસીપીના ધારાસભ્યોને લગતી અરજીઓની સુનાવણી સમયસર થઈ શકી ન હતી. જોકે, સ્પીકર વતી ેએમ પણ જણાવાયું હતું કે આમ તો આ કેસની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ સ્પીકરને ઓર્ડર લખવા માટે વધારે સમયની જરુર છે. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ જે દિવસે શિવસેનાના ધારાસભ્યોની અપાત્રતા માટે તા. ૩૧મી ડિસેમ્બરની મુદ્દત ઠેરવી હતી તે જ દિવસે એનસીપીના ધારાસભ્યોની અપાત્રતા મુદ્દે નિર્ણય માટે ૩૧મી જાન્યુઆરીની મુદ્દત આપી હતી. 

અજિત પવાર અને તેમના જૂથના વિધાનસભ્યો સામેની અયોગ્યતા અંગેની અરજી પર નિર્ણય કરવા સ્પીકરને નિર્દેશ આપવા શરદ પવાર જૂથના જયંત પાટિલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જુલાઈ ૨૦૨૩માં એકનાથ શિંદે સરકારમાં અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે અને આઠ એનસીપી વિધાનસભ્યોએ પ્રધાન તરીકે સોગંદ લીધા હતા. એનસીપીના શરદ પવાર જૂથે અજિત પવાર સહિત નવ વિધાનસભ્યો સામે અયોગ્યતાની અરજી દાખલ કરી હતી.



Google NewsGoogle News