મુંબઈના માર્ગો પર હવે દર 3માંથી 1 મહિલા વાહનચાલક

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
મુંબઈના માર્ગો પર હવે દર 3માંથી 1 મહિલા વાહનચાલક 1 - image


22-23માં  લાયસન્સ મેળવનાર 2.33 લાખ માંથી 36 ટકા મહિલા 

મુંબઈમાં માત્ર 2 ટકા ચાલકો જ ડ્રાઇવિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય  છે, આંધ્ર માં અત્યાધુનિક ટ્રેક પર 40 ટકા ફેઈલ્યોર

મુંબઇ : શહેરમાં ૨૦૨૨-'૨૩ સૌથી વધુ ૨.૩૩ લાખ ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવામાં આવ્યા. આ નવા લાઇસન્સ શહેરના ચાર આરટીઓ દ્વારા જારી કરાયા છે અને તેમાં મહિલાઓને આપવામાં આવેલા લાઇસન્સનું પ્રમાણ જે એક દાયકા અગાઉ ૨૭ ટકા હતું તે વધીને ૨૦૨૦માં ૩૪ ટકા થયું અને અત્યારે તેનો આંક ૩૬ ટકા ઉપર પહોંચ્યો છે. આનો અર્થ એ થયો કે હવે શહેરના માર્ગો પર વાહન ચલાવનારા દર ત્રણ ડ્રાઇવરોમાં એક મહિલા ડ્રાઇવર છે. આમ શહેરમાં કુલ ૯૦ લાખ ડ્રાઇવિંગ લાઇસન્સધારકોમાંથી લગભગ ૩૬ ટકા મહિલાનો સમાવેશ થાય છે. તાજેતરના પરિવહન આંકડા પર ડ્રાઇવિંગ લાઇસન્સમાં ૧૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

કોવિડ પહેલાના ૨૦૧૯-'૨૦ની સરખામણીમાં આ ગ્રોથ ૫૭ ટકા જેટલો વધુ  છે.   કારના વેંચાણમાં જબરદસ્ત વધારો, કોલેજમાં હોવા છતાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા આગળ આવતા યુવાનો અને ઘરેથી લર્નિંગ લાઇસન્સ મેળવવાની સુવિધાને કારણે વધુને વધુ શહેરીજનો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી રહ્યા છે અને તેને કારણે આ પ્રચંડ વધારો નોંધાયો છે.

કોવિડ મહામારી પહેલાં કાયમી ડ્રાઇવિંગ ટેસ્ટ સ્લોટ મેળવવા માટે એક મહિનાથી વધુ સમયની રાહ જોવાતી હતી, પરંતુ હવે માત્ર એક અઠવાડિયામાં સ્લોટ મેળવી શકાય છે. શહેર આરટીઓ પર એકંદરે નિષ્ફળતાનો દર હવે માત્ર બે ટકા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં સ્વયં સંચાલિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પ્રથમ વખતના ઉમેદવારો માટે નિષ્ફળતાના દરમાં વધારો કરી શકે છે અને રાજ્ય હવે સેટ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યું છે.

સમગ્ર મહારાષ્ટ્રમાં ૧૭ આરટીઓમાં સ્વયંસંચાલિત ટ્રેક છે. આમાં મુંબઇમાં અંધેરી અને તારદેવ આરટીઓએસ ખાતેના બે ટ્રેકનો સમાવેશ થાય છે. રાજ્ય પરિવહન કમિશનરે આ વર્ષે  આંધ્ર પ્રદેશમાં નવીનતમ સ્વયંસંચાલિત ટ્રેકની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉમેદવારોનો નિષ્ફળતાનો દર ૪૦ ટકા જેટલો ઉંચો જોવા મળ્યો હતો. આથી નવો ટ્રેક આવે ત્યારે મુંબઇમાં પણ આવી સ્થિત હોઇ શકે છે.



Google NewsGoogle News