આરોપીને હાજર નહીં કરવા બદલ તળોજા જેલ સુપરિન્ટેન્ડન્ટને નોટિસ
ટ્રિપલ બોમ્બ ધડાકાના આરોપીના કેસમાં કોર્ટનો આદેશ
કોર્ટના અવમાનની કાર્યવાહી કેમ કરવામા ન આવે તેનો ખુલાસો કરવા જણાવ્યું
મુંબઈ : કોર્ટનો આદેશ નહીં પાળવા બદલ અવમાનની કાર્યવાહી કેમ કરવામાં આવે નહીં એવે સવાલ નવી મુંબઈના તળોજા સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડન્ટને વિશેષ કોર્ટે કર્યો છે.
મુંબઈના ટ્રિપલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી નદીમ શેખને અનેક નિર્દેશો છતાં કોર્ટમાં હાજર કરવામાં નહીં આવતાં કોર્ટે ઉક્ત સવાલ કર્યો હતો.
૧૩ જુલાઈ ૨૦૧૧ની ઘટનામાં મુંબઈના ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને કબૂતરખાના ખાતે ત્રણ બોમ્બ ધડાકા થયા હતા જેમાં ૨૧ જણ માર્યા ગયા હતા અને ૧૪૦થી વધુ ઘવાયા હતા.
ઈન્ડિયન મુજાહિદ્દીન સ્થાપક યાસિન ભટકલે વિસ્ફોટ માટે વપરાતા ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈઝ (આઈડી) બનાવવા અને વિસ્ફોટક મેળવવામાં મહત્ત્વની ભૂમિકા નીભાવી હતી. જાન્યુઆરી ૨૦૧૨માં નદીમ શેખ સહિતના આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ૧૧ આરોપી પકડાયા હતા એમાં એક મૃત્યુ પામ્યો હતો અને અન્યો તિહાર જેલમાં છે કેટલાંક બેંગલુરુની જેલમાં છે.
રાજ્યની બહાર રખાયેલા આરોપીઓને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ હાજર કરાયા નથી. કોર્ટ હાલ સાક્ષીદારોના નિવેદન રેકોર્ડ કરી રહી છે. ૧૨૩ સાક્ષી તપાસાયા છે.નદીમ શેખસ પોતાનો કેસ પોતે લડી રહ્યો હોવાથી તેને કોર્ટમાં વ્યક્તિગત હાજર રહેવાનો નિર્દેશ વારંવાર આપ્યો હતો. છતાં જેલના સુપરિન્ટેન્ડન્ટ તેનો અમલ કરતા નહોવાનું વિશેષ જજ શેળકેએ નોંધ્યું હતું.
આથી કોર્ટે દરેક તારીખે શેખને હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપરિન્ટેન્ડન્ટને પણ આદેશ નહીં પાળવા બદલ અવમાન કાર્યવાહી કેમ કરવામાં ન આવે એનો ખુલાસો એક સપ્તાહમાં કરવા જણાવ્યું છે.