વાયકરને સાંસદ તરીકે શપથ લેતા અટકાવવા લોકસભાના સેક્રેટરીને નોટિસ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
વાયકરને સાંસદ તરીકે શપથ લેતા અટકાવવા લોકસભાના સેક્રેટરીને નોટિસ 1 - image


ઉત્તર પશ્ચિમના પરિણામ અંગે કાનૂની લડાઈ

મતગણતરી પ્રક્રિયામાં  ગરબડ બાબતે પોલીસ ફરિયાદ થઈ હોવાથી સમગ્ર પરિણામ સંદેહના ઘેરામાં છે તેવી રજૂઆત

મુંબઈ :  મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી વિજેતા જાહેર કરાયેલા સીએમ એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરને લોકસભાના સંસદસભ્ય તરીકે શપથ લેતા અટકાવવાની માગણી સાથેની એક નોટિસ લોકસભાના સેક્રેટરીને મોકલવામાં આવી છે. 

ઉત્તર પશ્ચિમની બેઠકની મત ગણતરી  વખતે વાયકરના સાળા મંગેશ પાંડિલકર પાસે ચૂંટણી પંચના  જોગેશ્વરી વિધાનસભા મતવિસ્તારના  એનકોર  સિસ્ટમના ડેટા એન્ટ્રી ઓપરેટર દિનેશ ગુરવનો ફોન હોવા બાબતે  રિટર્નિંગ અધિકારી દ્વારા મુંબઈના વનરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. બીજી તરફ આ ચૂંટણીમાં પરાજિત બનેલી શિવસેના-યુબીટીએ પણ સમગ્ર મતગણતરી પ્રક્રિયાને અદાલતમાં પડકારવાની તૈયારી હાથ ધરી છે.  મતગણતરીના ૧૯મા રાઉન્ડ પછી કોઈ પારદર્શિતા નહિ જળવાઈ હોવાનો આક્ષેપ શિવસેના યુબીટી દ્વારા કરાયો છે. 

મતગણતરી મથકમાં વાયકરના સાળા દ્વારા ચૂંટણી પંચના કર્મચારીના ફોનના ઉપયોગ સહિતની ગેરરીતી બાબતે  ફરિયાદ કરનારા હિંદુ સમાજ પાર્ટીના  ઉમેદવાર ભરત શાહ  દ્વારા તેમના   એડવોકેટ મારફતે લોકસભાના સેક્રેટેરિએટને મોકલાવાયેલી નોટિસમાં જણાવાયું છે કે સમગ્ર મતગણતરી પ્રક્રિયા અંગે પોલીસ તપાસ થઈ રહી છે. ત્યારે વાયકરને સંસદ સભ્ય તરીકે શપથ લેવડાવવામાં આવે તે બંધારણીય રીતે ઉચિત નહિ હોય. 

આ પહેલાં કોઈ સંસદસભ્યને શપથ લેતાં અટકાવવાની માગણી થઈ નથી પરંતુ વાયકરને શપથ લેવડાવાશે તો બંધારણીય પ્રક્રિયાના અનાદર સમાન ગણાશે તેવી રજૂઆત થઈ છે. 

ઉત્તર પશ્ચિમ મુંબઈના મત વિસ્તારમાં નેસ્કો સેન્ટરના સી.સી.ટી.વી. ફૂટેજને જાણી જોઈને આપવામાં ટાળવામાં આવી રહ્યા છે. આ હકીકત દર્શાવે છે કે સરકારી તંત્ર સત્ય છુપાવવા માટે એકનાથ શિંદે અને કેન્દ્ર સરકારના દબાણ હેઠળ રવીન્દ્ર વાયકરને મદદ કરી રહ્યું છે. એટલું જ નહિ ચૂંટણી જીતવા માટે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર માધ્યમોનો ઉપયોગ કરવાના  આ ખુલ્લા કેસમાં અપીલ વડી અદાલતમાં ચૂંટણી પિટિશન પણ દાખલ કરાશે, એમ તેમણે  જણાવ્યું છે.



Google NewsGoogle News