મરાઠી બોર્ડ નહીં લગાડાતાં 176 દુકાનો-સંસ્થાનાને નોટિસ
પહેલા દિવસે સૌથી વધુ તવાઈ ઘાટકોપરમાં
પાલિકાની ટીમો પાટિયાં ચેક કરવા નીકળી પડીઃ 1લા દિવસે માત્ર નોટિસ
મુંબઇ : સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈમાં આવેલી દુકાનો, ઓફિસો તથા સંસ્થાઓ પર બોલ્ડ અક્ષરોમાં મરાઠી ભાષામાં દેવનાગરી લિપિમાં બોર્ડ લગાડવું ફરજિયાત છે. ડેડલાઈન પૂર્ણ થતાં પાલિકાની ટીમો ઠેર ઠેર ચેકિંગ માટે નીકળી હતી અને ૧૭૬ દુકાનો તથા વાણિજયિક સંસ્થાનો સામે કાર્યવાહી કરાઈ હતી. ઘાટકોપરમાં સૌથી વધુ ૧૮ દુકાનો સામે કાર્યવાહી થઈ હતી.
પાલિકાના ૨૪ વહીવટી વોર્ડના શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ વિભાગના અધિકારી અને કર્મચારીઓની ટીમે આજે ૩,૨૬૯ દુકાનો અને સંસ્થાઓની ચકાસમી કરી હતી. તેમાંથી ે નિયમભંગ કરનારી ૧૭૬ દુકાનો અને સંસ્થાઓ સામે કાયદેસર કાર્યવાહી કરી હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે કોઈને દંડ કરાયો નથી. માત્ર નોટિસ અપાઈ છે. જોકે, બીજી વખત ચેકિંગમાં પણ ઉલ્લંઘન જણાશે તો સંસ્થાન દીઠ બે હજાર રુપિયા દંડ કરાશે. જોકે, આ દંડ એક લાખ સુધીનો પણ હોઈ શકે છે.
સાઉથ મુંબઈથી માંડીને જુદાં જુદાં પરાં વિસ્તારોનાં બજારમાં પણ પાલિકાની ટીમ ચેકિંગ કરવા નીકળતાં ભારે ઉત્તેજના સજાઈ હતી.
મુંબઈમાં મરાઠી બોર્ડનો મુદ્દો છેક સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે વેપારીઓને સ્થાનિક ભાષામાં બોર્ડ રાખવામાં વાંધો શું છે તેમ કહી ટપાર્યા હતા.