Get The App

મતદાન કેન્દ્રોમાં મોબાઈલ પર પ્રતિબંધમાં કશું ગેરકાયદે નથી : હાઈકોર્ટ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
મતદાન કેન્દ્રોમાં મોબાઈલ પર  પ્રતિબંધમાં કશું ગેરકાયદે નથી : હાઈકોર્ટ 1 - image


પોલિંગ બૂથ પર મોબાઈલ  લઈ જવાની પરવાનગી માગતી અરજી ફગાવાઈ

મોબાઈલ પર ડિજીલોકર દ્વારા દસ્તાવેજો દર્શાવી શકાતા હોવાની દલીલ અદાલતે ફગાવી દીધી

મુંબઈ :  આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કેન્દ્ર પર મોબાઈલ ફોનના વપરાશ પર પ્રતિબંધના ચૂંટણી પંચના નિર્ણયમાં કંઈ ગેરકાયદે ન હોવાનું બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું.

મુખ્ય ન્યા. ડી. કે. ઉપાધ્યાય અને ન્યા. બોરકરની બેન્ચે વકિલ ઉજ્વલા યાદવે મોબાઈલ ફોન પર બંધીના નિર્ણય સામે કરેલી જનહિત અરજીને ફગાવી દીધી હતી.

જનહિત અરજીમાં કેન્દ્ર અને રાજ્યના ચૂંટણી પંચોને મતદારોને ફોન વાપરવા દેવાની પરવાનગી આપવાનો નિર્દેશ આપવાની વિનંતી કરવામાં આવી હતી. માહિતી તંત્રજ્ઞાાન મંત્રાલયે શરૃ કરેલા ડિજીલોકર એપ મારફત મતદારો પોતાના ઓળખપત્ર મોબાઈલ દ્વારા બતાવી શકે છે, એવી રજૂઆત કરાઈ હતી.

કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચને ચૂંટણી પ્રક્રિયા સરળતાથી ચલાવવાના પગલાં લેવાની સત્તા છે. ચૂંટણી યોજવાની પ્રક્રિયા પડકારરૃપ છે અને તમે અરજીમાં જણાવો છો કે ડિજીલોકરમાં દસ્તાવેજ બતાવો. કોઈને એવો અધિકાર નથી અપાયો કે તે માત્ર ફોન પર ડીજીલોકર દ્વારા જ દસ્તાવેજની ચકાસણી કરાવે. અમને આ નિર્ણયમાં કંઈ ગેરકાયદે જણાતું નથી, એમ નોંધીને અરજી ફગાવી હતી.

પોલિંગ બૂથ પર મોબાઈલ ફોન જમા કરવાની સુવિધા ન હોવાથી લોકો મતદાન કરવાથી હતાશ થઈ જશે, એવો દાવો પણ જનહિતમાં કરાયો હતો.



Google NewsGoogle News