જાણીતા કવિ, ચિત્રકાર ઈમરોઝનું 97 વર્ષની વયે મુંબઈમાં નિધન
ઉસને જિસ્મ છોડા હૈ, સાથ નહીં...
જાણીતાં લેખિકા અમૃતા પ્રીતમ સાથે 40 વર્ષ સહવાસમાં રહ્યા
મુંબઈ : સાહિત્ય તથા ચિત્રકલાક્ષેત્રમાં ખ્યાતનામ ધરાવતાં કવિ, ચિત્રકાર એવા ઈમરોઝનું આજે સવારે તેમના કાંદિવલીના નિવાસસ્થાને ૯૭ વર્ષની વયે અવસાન થયું હતું. છેલ્લાં ઘણાં સમયથી તેમની તબિયત અસ્વસ્થ હોવાની માહિતી મળી હતી.
ઈમરોઝનું મૂળ નામ ઈંદ્રજિત સિંગ હતું. અમૃતા પ્રીતમ સાથેના સંબંધ બાદ તેઓ લોકપ્રિય બન્યા હતા. બંનેએ લગ્ન કર્યા નહોતાં તોયે ૪૦ વર્ષ એકબીજા સાથે ગાળ્યાં હતાં.
ઈમરોજના મૃત્યુ વિશે જણાવતાં તેમના નજીકના મિત્રએ તહ્યું હતું કે, ઈમરોઝ છેલ્લાં કેટલાંક દિવસથી બિમાર હતો. તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને નળી વાટે ભોજન આપવામાં આવતું હોવા સુધીની તબિયત બગડી હોવા છતાં એક દિવસ એવો ગયો નથી જ્યારે તેણે અમૃતાને યાદ ન કરી હોય. છેલ્લે સમયે પણ તેણે કહ્યું, અમૃતા આવી ગઈ છે, તે અહીં જ છે.
લાહોરથી ૧૦૦ કિમીના અંતરે આવેલ એક ગામમાં ૧૯૨૬માં ઈમરોઝનો જન્મ થયો હતો. ઈમરોઝે જગજીત સિંગની 'બિરહા દા સુલતાન' અને બીબી નૂરનની 'કુલી રહ વિચાર' સહિત અનેક પ્રસિદ્ધ એલપીનું કવરપેજ ડિઝાઈન કર્યું હતું. ઈમરોઝ અને અમૃતા પ્રીતમ વચ્ચે સાત વર્ષનો ફરક હોવા છતાં તેમની પ્રેમગાથા ઘણી જાણીતી થઈ છે. મૃત્યુ પહેલાં અમૃતાએ ઈમરોઝ માટે 'મૈં તુમ્હેં ફિર મિલૂંગી' જેવી કવિતા લખી હતી. ઈમરોઝ તેના મૃત્યુ બાદ કવિ તરીકે જાણીતા થયા હતા અને તેમણે અમૃતાની અધૂરી રહેલી પ્રેમ કવિતા પૂર્ણ કરી હતી, જેનું નામ હતું 'ઉસને જિસ્મ છોડા હૈ. સાથ નહીં'.