પિસ્તોલ મળી ત્યાં સુધી સલમાનના ઘરે ગોળીબાર કરવાનો છે તેવી ખબર ન હતી
સલમાન કેસના આરોપીઓની પોલીસ સમક્ષ કબૂલાતો
ક્રિકેટ રમતાં દોસ્તીમાંથી બિશ્નોઈ ગેંગમાં એન્ટ્રી : બંને શૂટર્સ 2 મહિના મુંબઈ રહ્યા પણ પૈસા વપરાઈ જતાં બિહાર પાછા ગયા, પછી ફરી બોલાવાયા
મુંબઇ : બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર ગોળીબાર કરનારા શૂટરને પનવેલમાં પિસ્તોલ અને કારતૂસ પહોંચાડવામાં આવી ત્યાં સુધી ટાર્ગેટની જાણ ન હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. બિહારના શૂટર સાગર પાલ અને વિકી ગુપ્તાની ૧૪ એપ્રિલે બાંદરામાં ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગના ૪૮ કલાકમાં કચ્છમાં માતાના મઢથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ૨૭મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને બંનેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જેલમાં બંધ ગેગસ્ટર લોરેન્સ બિશ્નોઇના નાનાભાઇ અનમોલ બિશ્નોઇ દ્વારા પાલ અને ગુપ્તાને શૂટિંગનું કામ આપવામાં આવ્યું હતું. પરંતુ શસ્ત્રોની ડિલિવરી કરાઇ ત્યાં સુધી ખાનના ઘરે ગોળીબાર કરવો પડશે એની તેમને કોઇ જાણ નહોતી.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ લોરેન્સ બિશ્નોઇ ગેગમાં અંકિત દ્વારા પાલને ભરતી કરવામાં આવ્યો હતો. પાલ અને અંકિત એક સાથે ક્રિકેટ રમતા હતા. બાદમાં તેઓ મિત્ર બની ગયા હતા. પછી તેણે પાલને વોટસએપ ગુ્રપમાં સામેલ કર્યો હતો. થોડા દિવસ બાદ અંકિતે પાલને એક કાવતરા વિશે જણાવ્યું હતું. જેના માટે ગેંગને વધુ એક વ્યક્તિની જરૃર હતી. ત્યારબાદ બીજા શૂટર ગુપ્તાને ગુ્રપમાં જોડવામાં આવ્યો હતો. અંકિતે બંનેને કામ પૂરુ કરવા માટે મુંબઇ જવાનું કહ્યું હતું. એના બદલામાં મોટી રકમ આપવાનું વચન આપ્યું હતું. વિદેશમાં રહેતા અનમોલ બિશ્નોઇના આદેશ પર એક વ્યક્તિએ બંને શૂટરને હેન્ડલ કર્યા હતા.
શરૃઆતમાં તેમને રૃા. ૩૦ હજાર આપવામાં આવ્યા હતા. ગત વર્ષે ઓક્ટોબરમાં બંનેને મુંબઇ જવાનું અને પનવેલમાં સલમાન ખાનના ફાર્મહાઉસ નજીક ભાડાના ઘરની શોધખોળ કરવાનું જણાવવામાં આવ્યું હતું. અધિકારીએ વધુમાં કહ્યું હતું કે પાલ અને ગુપ્તા મુંબઇ આવ્યા અને બે મહિના કરતા વધુ સમય સુધી અહી રોકાયા હતા. દરમિયાન તેઓ વિવિધ સ્થળે ગયા હતા. ત્યારપછી પૈસા વપરાઈ જતા બિહારમાં તેમના ગામમાં પરત ગયા હતા.
જો કે ફેબુ્રઆરીમાં ગેંગ દ્વારા બંનેનો ફરીથી સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમને રૃા. ૪૦ હજાર આપી રહેવા માટે ભાડાનું ઘર લેવાનું કહ્યું હતું. આ વખતે તેમણે મુંબઇથી લગભગ ૬૦ કિ.મી. દૂર પનવેલ આવ્યા હતા. હરિગ્રામ વિસ્તારમાં ભાડાનું ઘર લીધું હતું. થોડા સમય પછી તેમને બાઇક ખરીદવાનું જણાવવામાં આવ્યું હતું. જેના માટે તેમના બેંક ખાતામાસા જમા કરાવી થોડી રોકડ રકમ પણ આપવામાં આવી હતી.
હથિયારોની ડિલિવરીના થોડા દિવસ પહેલા બંનેને બાંદરામાં સલમાનના નિવાસસ્થાન અને પનવેલમાં તેના ફાર્મહાઉસની રેકી કરવાનું કહેવામાં આવ્યું હતું. પનવેલમાં ભાડાના ઘરમાં સોનુ બિશ્નોઇ અને અનુજ થાપન બંનેને બે પિસ્તોલ અને કારતૂસો આપવામાં આવ્યા હતા. તે સમયે તેમની ખાનના નિવાસસ્થાને ટાર્ગેટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ ગુપ્તા અને પાલે અનમોલ બિશ્નોઇ સાથે વાત કરી હતી. ત્યારે વિકી ગુપ્તાએ કોલ રેકોર્ડ કર્યો અને એક ઓડિયો ક્લિપ બનાવી હતી. આ ક્લિપ વિકીએ તેના ભાઇ સોનુ ગુપ્તાને મોકલી હતી. મુંબઇ પોલીસે સોનુને તાબામાં લીધો હતો. પોલીસે સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ સોનુ ગુપ્તાનું નિવેદન નોંધ્યું હતું. ગેંગના મેમ્બરે બંને શૂટરને કામ પૂરુ થયા બાદ મોટી રકમ આપવાની ખાતરી આપી હતી.
તદનુસાર ૧૪ એપ્રિલના વહેલી સવારે ખાનના ઘરની બહાર પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કરી ગુપ્તા અને પાલ મુંબઇ છોડીને ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે માતાના મઢથી બંનેની ધરપકડ કરી હતી. જ્યારે શસ્ત્રો પહોંચાડનારા અનુજ થાપન અને સોનુ બિશ્નોઇને પંજાબથી પકડવામાં આવ્યા હતા. શૂટરને આર્થિક મદદ પૂરી પાડનારા મોહમ્મદ રફીક ચૌધરીને રાજસ્થાનથી ઝડપી લેવાયો હતો. અનમોલ બિશ્નોઇની સૂચના પર ચૌધરી ૮ માર્ચના કુર્લામાં શૂટરને મળ્યો હતો. અનમોલ બિશ્નોઇએ તેમને બહુ મોટી જવાબદારી આપી હોવાનું ચૌધરીએ બંનેને કહ્યું હતું. મુંબઇ પોલીસના લોકઅપમાં થાપાને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરતા ચકચાર જાગી હતી.
પનવેલના ફાર્મહાઉસમાં ગોળીબારનું પ્લાનિંગ પણ સલમાન ત્યાં આવ્યો જ નહિ
મુંબઈ, તા.૯
શૂટર સાગર પાલ અને વીકી ગુપ્તા સલમાન ખાનના પનવેલના ફાર્મહાઉસની નજીક ભાડા પર લીધેલા ઘરમાં ઘણા દિવસ રોકાયા હતા. તેમણે ફાર્મ હાઉસની રેકી કરી હતી. તેઓ કદાચ સલમાન ફાર્મહાઉસમાં આવે ત્યારે ગોળીબાર કરવાના હતા. પરંતુ સલમાન ત્યાં આવ્યો નહોતો. આથી બાંદરામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી કરી ફાયરિંગ કરાઈ હોવાની શંકા છે.