નોસ્ત્રાદેમસની આવતા વર્ષ માટેની પ્લેગથી માંડી યુદ્ધના અંત સુધીની આગાહીઓ
૨૦૨૫માં નોસ્ત્રાદેમસની આગાહીઓ કેટલી સાચી પડે છે તે જાણવાની આતુરતા
ઇંગ્લેન્ડ ૨૦૨૫માં ક્રૂર લડાઇ અને પ્રાચીન પ્લેગ જેવી મહામારીનો ભોગ બનશે તેવી નોસ્ત્રાદેમસની આગાહી
પંદરસોની સાલમાં થઇ ગયેલાં માઇકલ દ નોસ્ત્રાદેમ યાને નોસ્ત્રાદેમસ તરીકે વિખ્યાત જ્યોતિષીએ ૯૪૨ આગાહીઓ કરી હતી. જેમાંથી હિટલરના ઉદય, નાઇન ઇલેવનનો આતંકી હુમલો અને કોરોના મહામારી જેવી આગાહીઓ સાચી પડી હોવાથી દરવર્ષે તેની આગાહીઓ વિશે ચર્ચા થાય છે. ૧૫૫૫માં પ્રકાશિત થયેલા પુસ્તક લા પ્રોફેટિસ એટલે ક ેઆગાહીઓમાં ૯૪૨ ચાર અંતરાની કડીઓ દ્વારા દુનિયાને અસર કરે તેવી આગાહીઓ સંગ્રહાઇ છે.
આ આગાહીઓ વિશે સંશોધન કરનારાઓએ જણાવ્યું છે કે ૨૦૨૫માં ઉલ્કા આવીને પૃથ્વી સાથે અથડાવાથી માંડી યુકેમાં પ્લેગ જેવી બિમારી ફાટી નીકળવા જેવી આગાહીઓ નોસ્ત્રાદેમસે કરી છે. નોસ્ત્રાદેમસની આગાહી અનુસાર ૨૦૨૫માં લાંબા સમયથી ચાલતી લડાઇનો અંત આવશે. નોસ્ત્રાદેમસે લખ્યું છે, લાંબા સમય સુધી યુદ્ધ ચાલવાને કારણે તમામ લશ્કરો થાકી જશે, તેમની પાસે સૈનિકોને ચૂકવવાના નાણાં નહીં રહે. તેમને ચામડાંના સિક્કા, ગેલિક બ્રાસ અને બીજના ચંન્દ્ર જેવા આકારના ચિન્હવાળા નાણાં ચૂકવાશે. ગેલિક બ્રાસ અને બીજના ચંન્દ્રને સોશ્યલ મિડિયા નિષ્ણાતોએ ફ્રાન્સ અને તુર્કી સાથે સાંકળી જણાવ્યું છે કે આ દેશો પણ યુદ્ધમાં સંડોવાઇ શકે છે. લાંબા યુદ્ધની વાત રશિયા-યુક્રેનની છે. જેમાં બંને દેશો થાકી ગયા હોઇ ૨૦૨૨માં ચાલુ થયેલી આ લડાઇ ૨૦૨૫માં પુરી થઇ જશે.
નોસ્ત્રાદેમસે આગાહી કરી છે કે નવું વર્ષ ઇંગ્લેન્ડ માટે ભારે છે. તેણે લખ્યું છે કે ઇંગ્લેન્ડ ક્રૂર લડાઇનો અને પ્રાચીન પ્લેગ જેવી મહામારીનો ભોગ બનશે જે દુશ્મનો કરતાં પણ ખરાબ પુરવાર થશે. કોરોના મહામારી વિશેની આગાહી સાચી પડયા બાદ નિષ્ણાતો હવે આ આગાહી બાબતે સચેત બની ગયા છે. બીજી મોટી આગાહી નોસ્ત્રાદેમસે એ કરી છે કે પૃથ્વી નજીકથી ૨૦૨૫માં મોટી ઉલ્કા પસાર થશે અથવા અથડાશે. જેના કારણે જીવન નષ્ટ થઇ જશે. પૃથ્વી નજીકથી ઉલ્કાઓ પસાર થવાની ઘટનાઓ નવી નથી. દર વર્ષે ઘણી ઉલ્કાઓ સલામત અંતરેથી પૃથ્વીની નજીકથી પસાર થઇ જાય છે.
નોસ્ત્રાદેમસે આગાહી કરી છે કે નવાશહેરની નજીક પોલાં ડુંગરોના માર્ગમાં આવેલાં દુનિયાના બગીચા ટબમાં ડૂબી જશે અને સલ્ફરથી ગંધાતું ઝેરી પાણી પીવાની ફરજ પડશે. નિષ્ણાતોના મતે આ આગાહી અનુસાર દુનિયાના બગીચા એટલે બ્રાઝિલમાં જળવાયુ પરિવર્તનને કારણે પૂર આવશે અને જ્વાળામુખીઓ ફાટશે તે વિશેની છે. એક અહેવાલ અનુસાર ઓલ્ડ ટેસ્ટામેન્ટ વાંચી વાંચીને નોસ્ત્રાદેમસનું ફરી ગયું હતું અને પ્લેગ જેવી બિમારીમાં તે પોતાની પત્ની અને સંતાનોને બચાવી ન શક્યો એટલે તેણે દુનિયા રસાતાળ જાય તેવી આગાહીઓ કરી સાંત્વના મેળવવાનો પ્રયાસ કર્યો હતો.