નોરતાની મધરાત સુધીની મંજૂરી પણ વરસાદે રંગમાં ભંગ પાડયો
વિદાય ટાણે ચોમાસાએ ચમત્કાર દેખાડયો
કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદથી ગરબા મેદાનો પર દોડધામ મચી
મુંબઇ : નવરાત્રીમાં છેલ્લાં ત્રણ દિવસ મધરાત સુધી દાંડિયા-રાસ રમવાની સરકારે મંજૂરી આપ્યા પછી આજે સાંજ પછી તળ મુંબઇ અને ઉપનગરોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા રંગમાં ભંગ પડયો હતો.
પૂર્વના અને પશ્ચિમના પરાંમાં મેદાનોમાં વરસાદથી ક્યાંક પાણી ભરાયું હતું તો ક્યાંક કાદવ થઇ ગયો હતો. આમ છતાં રાસ- રસિયાઓએ વરસતા વરસાદમાં અને કાદવમાં પણ રાસે રમીને રેઇન- ડાન્સની મજા લીધી હતી.
ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વરસાદની અસર જોવા મળી હતી. વાહનોની ગતિ ધીમી પડી ગઇ હતી અને અનેક ઠેકાણે ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજ્ય સરકાર દ્વારા ગુરુવાર, શુક્રવાર અને શનિવારે રાત્રે ૧૨ વાગ્યા સુધી રમવાની છૂટ આપી છે.